Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

સુપર સ્પ્રેડર્સની શોધ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરાશે

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા : શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ, સાજા થનારા દર્દીની સંખ્યામાં વધારો થયો

અમદાવાદ, તા. ૦૯ : શહેર કોરોના વાયરસના ભરડામાંથી ધીમે ધીમે બહાર આવી રહ્યું હોય તેમ લાગી છે. શહેરના કોટ વિસ્તારમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે, પરંતુ પશ્ચિમમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. એવામાં સ્થિતિ ફરીથી કંટ્રોલ બહાર જતી રહે તે પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોરોનાને અંકુશમાં લેવા માટે ફરીથી સુપર સ્પ્રેડર્સના સેમ્પલ ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગની કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કર્યું છે.

        અમદાવાદમાં પશ્ચિમ તથા પૂર્વ સહિતના અન્ય વિસ્તારોમાં વધી રહેલા કોરોનાના કેસને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા સહિતના અધિકારીઓ ઉપસ્થિત હતાબેઠકમાં ચર્ચા થઈ હતી કે, નવી રેપિડ ટેસ્ટ કિટથી કોરોનાના ટેસ્ટમાં લક્ષણ વિનાના વધારે કેસો સામે આવી રહ્યા છે. જોકે ટેસ્ટમાં ૧૫થી ૨૦ ટકા દર્દીઓ લક્ષણો સાથે મળી રહ્યા છે. કોરોના અંગેની બેઠકમાં ડો. રાજીવકુમાર ગુપ્તાએ કોરોનાના વધતા કેસ રોકવા અને સંક્રમણ ફેલાતું રોકવા માટે દર્દીના સંપર્કમાં આવેલા પરિવારજનો, સંબંધીઓ, મિત્રો, પાડોશીઓની પણ ટેલિફોનિક અને રૂબરૂ તપસ કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ શરૂ કરવાની સૂચના આપી હતી.

         ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા બે મહિનાઓથી કોરોના સંક્રમિત કેસની સંખ્યા સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિણામે કોર્પોરેશન અને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી થઈ રહ્યા છે. ત્યારે બેઠકમાં જરૂર પડે તો ફરી ખાલી બેડમાં અસિમ્ટોમેટિક દર્દીઓ તથા શંકાસ્પદ દર્દીઓને રાખવા ઉપરાંત કોવિડ કેર સેન્ટરને પણ ફરીથી શરૂ કરવાની સૂચના આપી હતી.

(10:08 pm IST)