Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

હવે અમદાવાદ 526 ચો.કિ.મી. વિસ્તારનું થશે : હદમાં કરાયો વધારો:60 ચોરસ કિ. મી. ઉમેરાશે

બોપલ,કઠવાડા,ચિલોડા,નરોડા સહિત 7 ગ્રામ પંચાયતનો સમાવેશ કરાયો

અમદાવાદ: ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના જાહેરનામા પ્રમાણે બોપલ નગરપાલિકા, કઠવાડા, ચિલોડા, નરોડા સહિત 7 ગ્રામ પંચાયતના વિવિધ સર્વે નંબરોનો અમદાવાદ શહેરની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેથી શહેરના વોર્ડમાં કે કોર્પોરેટરની સંખ્યામાં કોઇ ફરક પડશે નહીં.અમદાવાદ શહેરનો વિસ્તારનો વ્યાપ વધીને 466 ચોરસ કિલોમીટરના સ્થાને 526 ચોરસ કિલોમીટર વિસ્તાર થઇ જશે.

રાજયની 7 મહાનગરપાલિકામાં હદ વિસ્તાર વધારવામાં આવ્યા બાદ શહેરી વિકાસ વિભાગ દ્રારા આ મહાનગરપાલિકાઓની વોર્ડ રચના અને સીમાંકન જાહેર કર્યા છે. જેમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગરમાં વોર્ડ તેમ જ બોઠકો યથાવત રાખવામાં આવ્યા છે. ગાંધીનગરમાં 3 વોર્ડ અને 12 બેઠકો તેમ જ સુરત મહાનગરપાલિકામાં 1 વોર્ડ અને 4 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે.

એ.એમ.સી. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે,શહેરી વિકાસ વિભાગના જાહેરનામા પ્રમાણે બોપલ નગરપાલિકા, કઠવાડા તેમ ચિલોડા નરોડા ગ્રામ પંચાયત અને અન્ય સાત ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ સર્વે નંબરોનો શહેરની હદમાં સમાવેશ થયો છે. હાલ અમદાવાદ શહેર 466 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલું છે. તેમાં નવા વિસ્તારનો ઉમેરા કરતાં અંદાજીત 60 ચોરસ કિલોમીટર વિસ્તારનો વધારો થાય તેમ છે.   

   જાહેરનામા અનુસાર કોર્પોરેશનના હયાત 48 વોર્ડ તથા 192 કાઉન્સિલરોની સંખ્યામાં કોઇ ફેરફાર થશે નહીં. શહેરની હદમાં સમાવેશ થયેલ નવા નગરપાલિકા તથા ગ્રામ પંચાયત વિસ્તારની પ્રાથમિક જરૂરિયાતનો અભ્યાસ કરી ઝડપથી વિસ્તારના નાગરિકને માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરાશે.

(10:03 pm IST)