Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

કોરોનાનાં નામે પોલીસ કનડગતનો આરોપ : મણિનગરમાં ખોટા મેમો ફાડતા હોવાની રજૂઆત : વિરમગામમાં પણ રાવ : લારી ગલ્લાવાળા દ્વારા આવેદન

સંજોગવશાત કોઈએ માસ્ક ઉતાર્યું તો તુરત મેમો ફાડતા વેપારીઓ પરેશાન : વિરામગામમાં બપોરે જ લારી ગલ્લા બંધ કરાવતા હેરાનગતિ

અમદાવાદઃ કોરોનાનાં નામે અમદાવાદ શહેર તથા જિલ્લા પોલીસ દ્રારા કનડગત કરાતી હોવાનાં આક્ષેપ સાથેની રજૂઆત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ થઇ છે. મણિનગર ગોરનાં કુવા પાસે દુકાનો ધરાવતાં વેપારીઓને માસ્ક નહીં બાંધ્યું હોવાનાં કારણે દંડવામાં આવતાં હોવાની ફરિયાદ ઉઠી છે. તો વિરમગામમાં પોલીસ તરફથી બપોરે બજાર બંધ કરાવવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. અંગે વિરમગામ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત થઇ છે. આમ, શહેર તથા જિલ્લામાં પોલીસની કામગીરીથી વેપારીઓ હેરાન પરેશાન થઇ ઉઠ્યાં છે.

શહેરનાં ગોરના કુવા વિસ્તારમાં ધંધો કરનારા વેપારીઓએ ગોરનો કુવો વેપારી એસોસીએશનનની રચના કરી છે. વેપારીઓએ ખોખરા પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટરને પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, કોરોના મહામારીને કારણે બે મહિનાનાં લોકડાઉન બાદ વેપારીઓ તરફથી સરકારની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. પરંતુ દુકાનમાં કોઇ ગ્રાહક ના હોય તેવા સમયે કે કચરા પોતું કે પાણી પીવાનાં સમયે મોઢાં પરથી માસ્ક ઉતાર્યું હોય તો પણ પોલીસ દ્રારા મેમો ફાડવામાં આવતો હોવાની ઘટના રોજબરોજ બની રહી છે. કોરોનાથી બધી વ્યક્તિને જીવનું જોખમ છે. કોઇ કામ વગર માસ્ક કાઢીને બેસતું નથી. તો આવા સંજોગોમાં પોલીસ તરફથી દંડ ના લઇ કોઇ જાતની હેરાનગતિ કરવામાં ના આવે તેવી રજૂઆત કરી છે.

બીજી બાજુ વિરમગામનાં લારી ગલ્લાંનાં વેપારીઓએ વિરમગામ તાલુકાનાં પ્રાંત અધિકારી તેમજ મદદનીશ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે, લોકડાઉનનાં કારણે અમે આર્થિક સંકડામણમાં આવી ગયા છે. અમે સરકારે જારી કરેલા નીતિ નિયમોનું પાલન કરીને ધંધો કરીએ છીએ. છતાં પોલીસ બપોરે લારી ગલ્લાં બંધ કરાવી દે છે. જો સરકારે પ્રકારની કોઇ સૂચના વિરમગામ ટાઉન પોલીસને આપી હોય તો અમને જાણ કરવા વિનંતી છે. અન્યથા પોલીસ દ્રારા નાહકની થતી હેરાનગતિ બંધ કરાવવામાં આવે.

(8:46 am IST)