Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વડોદરામાં વિચિત્ર કિસ્સો :સસરાને પૈસા ચૂકવવાથી બચવા પુત્રવધૂએ લૂંટનું નાટક કર્યું : ફરિયાદ બોગસ હોવાનું ખુલ્યું

ચાકુની અણીએ લૂંટની ફરિયાદ કારેલીબાગમાં નોંધાવી:ઉછીના લીધેલા પીએસ પરત ચૂકવ્યાનું ખુલ્યું

 

વડોદરામાં વિચિત્ર કિસ્સો ખુલ્યો છે કારેલીબાગ ગબ્બર એપાર્ટમેન્ટમાં રહેતી ગૃહિણીએ બે દિવસ પહેલા ચાકુની અણીએ લૂંટની ફરિયાદ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જોકે તપાસના અંતે આ ફરિયાદ બોગસ હોવાનું ખુલ્યું છે સસરાને પૈસા ચુકવવા ન પડે તે માટે પુત્રવધુએ આ આખો બનાવ ઘડી કાઢ્યો હતો.

  આ અંગે મળતી વિગત મુજબ શહેરનાં ગબ્બર એપાર્ટમેન્ટમાં રહેતાં માનસીબેન જીગ્નેશભાઈ શાહ (ઉ.વ.26) ના પતિ એક ખાનગી કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તા.4થી જુલાઇએ બપોરે માનસીબેન ઘરે કચરો વાળીને નીચે ફેંકવા ગયા હતાં. ત્યારે બે અજાણ્યા બુકાનીધારીઓએ તેમના ગળા ઉપર ચાકુ મુકીને ઘરમાં લઈ ગયા હતા. તેમણે તિજોરીની ચાવી લઈને રોકડા 15 હજાર રુપિયા ઉપરાંત રસોડાના એક ડબ્બામાં સસરાએ 35 હજાર રૂપિયા મુક્યા હતાં. તે મળીને કુલ 45 હજાર રુપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

   આ ફરિયાદમાં શંકા જતા કડક તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રારંભીક તબક્કે આ ફરીયાદ સાચી માનીને પોલીસે તપાસ શરુ કરી હતી. બાદમાં માનસીબેનના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલની તપાસ કરતા ચોંકાવનારી વાત સામે આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે 30 હજારમાંથી 13,600 રુપિયા ઘરમાં જ બીજી જગ્યાએ સંતાડી રાખ્યા હતા. આ ઉપરાંત બાકીના 16,500 રુપિયા એક વ્યકિત પાસેથી ઉછીના લીધા હતા. તે વ્યકિતને પરત ચુકવ્યાં હતા. જેથી સસરાને તે 30 હજાર પરત આપવા ના પડે માટે લૂંટનું નાટક ઘડ્યું હતું. માનસીબેન શાહે આ કબુલ્યું છે. આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે

(10:43 pm IST)