Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગુજરાતની સરકાર કુપોષણ મુક્તિ માટે ગંભીર : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતને કુપોષણ મુક્ત કરવા સૌ સંકલ્પબદ્ધ બને : બેટી બચાવોની સાથે કુપોષણ હટાવોના સંકલ્પને સાકાર કરવાની ઝુંબેશ ઉપાડવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અપીલ

અમદાવાદ,તા.૯ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન રાજ્યમાં કુપોષણથી પીડાતા બાળકોના પ્રશ્નના ઉત્તરમાં ઉપસ્થિત સૌ લોકપ્રતિનિધિઓને પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને સમાજને કુપોષણથી મુક્ત કરવાના પ્રયાસને ઝૂંબેશ સ્વરૂપે વેગ આપવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત બાળક એ તંદુરસ્ત સમાજના પાયાની વાત છે. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા ઝૂંબેશના સ્વરૂપે જનઆંદોલન ઉપાડવામાં આવે તે જરૂરી છે. તેમણે લોકપ્રતિનિધિઓને પોત પોતાના વિસ્તારમાં જઇને આ દિશામાં ઝૂંબેશ સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કરી ઉમેર્યું હતું કે, આપણે સૌ ગુજરાતને કુપોષણ મુક્ત માટે સંકલ્પબદ્ધ થઇએ. મુખ્યમંત્રીએ બેટી બચાવો સાથે સાથે કુપોષણ હટાવો ઝૂંબેશને સૌના સાથથી મજબૂત કરવા આહવાન કર્યું હતું અને જણાવ્યું હતું કે, સરકાર કુપોષણના સામેના જંગને ગંભીરતાથી લઇ રહી છે. રાજ્ય વિધાનસભામાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરી દવેએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા.૩૧.૦૫.૨૦૧૯ની સ્થિતિએ આણંદ અને વલસાડ જિલ્લામાં અનુક્રમે કુલ ૬૦૨૬ અને ૧૫૮૨ કુપોષિત બાળકો આવેલા છે. કુપોષણની સ્થિતિને સુધારવા રાજ્ય સરકારે અનેકવિધ કામગીરી બજાવી છે. જેમાં આંગણવાડી કેન્દ્ર ખાતે ૩ થી ૬ વર્ષના બાળકોને સવારે ગરમ નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવે છે. અઠવાડીયામાં બે દિવસ ફળ આપવામાં આવે છે. આણંદ અને વલસાડ જિલ્લાના તમામ ઘટકમાં ૬ માસ થી ૩ વર્ષના બાળકોને ટેકહોમ રેશન તરીકે બાલશક્તિ આપવામાં આવે છે. ૩ થી ૬ વર્ષના અને અતિ ઓછા વજનવાળા બાળકોને ત્રીજું ભોજન ઘરે લઇ જવા કેલેરી પ્રોટીન સભર ૫૦ ગ્રામનો લાડુ આપવામાં આવે છે. લાભાર્થીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં ડબલ ફોર્ટીફાઇડ મીઠું તેમજ ફોર્ટીફાઇડ તેલ પુરૂ પાડવામાં આવે છે. 

(9:35 pm IST)