Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

૧૦ નપાની ૧૫ બેઠકો પૈકી ૧૧ ઉપર ભાજપનો વિજય

લોકસભા બાદ ગુજરાતમાં ભાજપની વિજયકૂચ જારી : જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતીતિ પરિણામોથી થાય છે : ભરત પંડ્યા

અમદાવાદ, તા.૯ : લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપનો વિજયરથ આગળ વધી રહ્યો છે. હવે પેટાચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક, ૧૦ નગરપાલિકાની ૧૫ બેઠકોની પેટાચૂંટણીઓમાંથી ૧૧ બેઠકો પર ભાજપના ઉમેદવારોને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. રાજયની નગરપાલિકાઓના પરિણામોને આવકારતાં અને જનસમર્થન માથે ચઢાવતાં ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે, તેના પરિણામ સ્વરૂપે ભાજપા પાસે અગાઉ ૬ બેઠકો હતી. તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ ૧૧ બેઠકો પર કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસ પાસે ૭ બેઠકો હતી, જે પેટાચૂંટણીઓમાં ત્રણ ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા પરાજય બાદ વિખેરાતી જાય છે. વાસ્તવમાં, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતીતિ આ પરિણામોથી થાય છે. પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રત્યેક નાની-મોટી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેના પરથી પ્રતીતિ થાય છે કે, જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને વિવિધ નગરપાલિકામાં જનતા જનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે. તે બદલ સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.

(8:12 pm IST)