Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આણંદ જિલ્લામાં દામોદરીયા નજીક સીમમાં દીપડાના પગલાં દેખાતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો

આણંદ: જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ શહેરના દામોદરીયા વડ નજીક આવેલ સીમ વિસ્તારમાં દિપડાના પગલા દેખાયા હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં ભારે ચકચાર મચાવી છે. આ વિસ્તારની એક શાળાની પાછળ આવેલ ખેતરમાં દિપડાના પગલાં લોકનજરે ચઢતા સીમ વિસ્તારમાં રહેતા મજુર વર્ગના પરિવારોમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. જો કે આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.

વધુમાં મળતી વિગતો મુજબ તાલુકા મથક ઉમરેઠના દામોદરીયા વડ નજીક આવેલ પ્રગતિ સ્કુલની પાછળના ખેતરમાં દિપડા જેવા વન્ય પ્રાણીના પગલાં દેખાયા હોવાની ચર્ચાએ સીમ વિસ્તારમાં રહેતા પરિવારોમાં ફફડાટની લાગણી વ્યાપી હતી. ખેતરમાં રહેતા કેટલાક પરિવારો આજે સવારના સુમારે ખેતરમાં કામકાજ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેઓએ ખેતરની ભીની માટીમાં દિપડા જેવા વન્ય પ્રાણીના પગલાં જોયા હતા. જેથી તેઓએ આસપાસમાં રહેતા અન્ય પરિવારોને જાણ કરતા અન્ય લોકો પણ કુતુહલવશ ઘટના સ્થળે એકત્ર થયા હતા. 

(5:27 pm IST)