Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

એ.કે.સિંહના સ્થાને પ્રવિણ સિંહા શું કામ મુકાઇ શકે ? શું કામ ન મુકાઇ શકે?

દિલ્હીના એક ન્યુઝ વેબ પોર્ટલના ન્યુઝ મધ્યમ કક્ષાના પોલીસ અધિકારીઓના વોટસએપ ગૃપમાં ચમકયા અને ચર્ચાનો ચિચોડો ચાલુ થયો : રવિવારથી શરૂ થયેલી અને મંગળવાર વ્હેલી સવાર સુધી ચાલેલી ચર્ચાની ભીંતરમાં :પ્રવિણસિંહા, એ. કે.સિંહની માફક કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા અધિ-કારી હોવાને કારણે તેમનું નામ ચર્ચામાં રહયાની અટકળો :આજ સુધીના ઇતિહાસમાં કેન્દ્ર દ્વારા ગુજરાતના પોલીસ કમિશ્નર તરીકે કોઇને સીધો પોષ્ટીંગ આપતો હુકમ થયો નથી

રાજકોટ, તા., ૯: અમદાવાદના કાર્યદક્ષ અને સ્વચ્છ છબી ધરાવતા પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ, સીબીઆઇમાં  ડેપ્યુટેશન પર જઇ રહયાનું અને તેમના સ્થાને એ.કે.સિંઘ જેવી જ સ્વચ્છ છબી ધરાવતા અને સૌરાષ્ટ્રના લોકો આજે પણ જેની કામગીરીને યાદ કરે છે તેવા જુનાગઢ અને રાજકોટ રેન્જના પુર્વ આઇજી પ્રવિણ સિંહા મુકાઇ રહયાના સમાચારને કારણે રવિવાર સાંજથી શરૂ થયેલી ચર્ચાઓ મંગળવારના પરોઢ સુધી ચાલી પરંતુ ગુજરાતના સિનીયર કક્ષાના આઇપીએસ અધિકારીઓ કે ગૃહ ખાતાના અધિકારીઓ આ વાતની પુષ્ટી ન કરી તે ન જ કરી.

દિલ્હીના એક વેબ ન્યુઝ પોર્ટલમાં  એ.કે.સિંઘ અને પ્રવિણ સિંહાની બદલીના  સમાચાર ચમકતા પોલીસના મધ્યમ કક્ષાના અધિકારીઓના વોટસએપ ગૃપમાં મુકાયા  અને પછી તો પુછવું જ શું? સતત પુછપરછ  ચાલી ઘણાએ તો પ્રવિણ સિંહાનો સંપર્ક સાધવા મહેનત કરી પરંતુ પ્રવિણસિંહા કોઇ અગત્યની મીટીંગમાં રોકાયા હશે કે જવાબ આપવાનું ટાળવા માંગતા હોય તેમ ફોન રીસીવ જ કરવાનું ટાળ્યું હતું. જો કે દિલ્હીના વર્તુળો હાલ તુર્ત આવું કાંઇ ન હોવાનું જણાવી રહયા છે.

અત્રે યાદ રહે કે અમદાવાદના પોલીસ  કમિશ્નર એ.કે.સિંઘને ેડેપ્યુટેશન પર જવાની ચર્ચા આ અગાઉ પણ હતી જ. ચુંટણીના કારણે હુકમ મુલત્વી રહયો હતો. આ વાતને સાંકળી તેઓ  સીબીઆઇમાં જઇ રહયાની ચર્ચા ચાલી.  અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે પ્રવિણ સિંહાનું નામ ચાલ્યું તેના મૂળમાં તેની પ્રમાણીક અને કાર્યદક્ષ અધિકારીની છાપની સાથોસાથ એ.કે.સિંઘની માફક અમદાવાદના કાર્યદક્ષ મ્યુનિસીપલ કમિશ્નર વિજય નહેરા સાથે વડોદરાના પરીચયના કારણે સંકલન કરી કામ કરી શકે તે બાબત સાંકળી આ ચર્ચા ચાલી.

ચર્ચામાં તથ્ય ન હોવાની બાબતો વિચારીએ તો કેન્દ્ર સરકાર પોલીસ કમિશ્નર  તરીકે મુકતો સીધો હુકમ કરે તેવી પ્રથા ઇતિહાસમાં બની નથી. પ્રવિણસિંહા ગુજરાત પરત ફરે ત્યારે તેમને કેન્દ્ર નહિ રાજય સરકાર નિયમ મુજબ પોષ્ટીંગ આપે. એ બાબત ધ્યાને લઇએ તો આ થિયરી ટેક નહિ.  બીજુ પ્રવિણ સિંહા પ્રમાણમાં જુનીયર આઇપીએસ છે. ગુજરાતમાં તેમનાથી આગળ ઘણા સિનીયર છે. બીજુ અમદાવાદ સીપીની પોષ્ટ ડીજીપીની છે. સીબીઆઇમાંથી પ્રવિણ સિંહા ગુજરાત પરત ફરે તો પ્રવિણ સિંહાની બેચ (૧૯૮૮)ના રાજસ્થાન બેચના પંકજકુમારસિંહ, મધ્યપ્રદેશના આ બેચના જ રાજીવ ટંડનને મુકવા સાથે પી.સી.મોદી કે જે સીબીઆઇમાં છે તેમને એક્ષટેન્શન આપવાની પણ ચર્ચા ચાલી રહી છે.

(3:11 pm IST)