Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આરટીઆઇ અંતર્ગત

વ્યકિતગત અથવા પ્રતિબંધિત ત્રાહિત ત્રીજા પક્ષને અપાય તો ઓફિસરને કોઇ સજા નહિ

અમદાવાદઃ આપણે ત્યાં દ્યણા એવા કાયદા હોય છે જે બેધારી તલવાર જેવું કામ કરે છે. જેમ કે લોકની સવલત માટે બનાવાયેલ રાઈટ ટુ ઇન્ફોર્મેશન(RTI) એકટ, જેમાં જો કોઈ અધિકારી સામાન્ય સંજોગમાં આપવા યોગ્ય માહિતી નિયત સમયમાં ન આપે અથવા પોતાની પાસે જ રાખી મુકે તો તેની વિરુદ્ઘ કાર્યવાહી થઈ શકે છે. પરંતુ જો આ કાયદા હેઠળ જ અધિકારી કોઈ વ્યકિત કે કર્મચારીની વ્યકિતગત અથવા પ્રતિબંધિત માહિતી ત્રીજા પક્ષને આપે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવતી નથી.

તાજેતરમાં કાયદાનો આ વિરોધાભાસ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કવરામાં આવેલ એક કેસમાં જોવા મળ્યો હતો. જેમાં રેલવે પ્રોટેકશન ફોર્સમાં કોન્સ્ટેબલની ફરજ નિભાવતા સંગિતા કુમારીએ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર વિરુદ્ઘ અપીલ કરી હતી કે તેમણે સંગિતાની કેટલીક વ્યકિતગત તેમજ સંગીન માહિતી તેના સસરાને આપી છે.

મહત્વનું છે કે સંગિતાએ કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો છે. જે દરમિયાન તેના સાસરા પક્ષ તરફથી કોર્ટમાં સંગિતાની કેટલીક મહત્વની માહિતી જેમ કે કામકાજના સ્થળે તેની હાજરી, ઓફિસમાં તેનું વલણ અંગેતી માહિતી રજૂ કરી હતી. તેના સસરાએ RTI એકટ અંતર્ગત માહિતી માગી હતી કે શું તેની સામે કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી ચાલી રહી છે કે પછી કામકાજ પ્રત્યેનું તેનું વલણ કેવું છે. જેથી માહિતી અધિકારીએ કાયદા મુજબ આ માહિતી તેમને આપી દીધી હતી.

જયારે આ બાબતની જાણ સંગિતાને થઈ કે માહિતી અધિકારીએ તેની કેટલીક ખાનગી માહિતી પણ સસરાને આપી છે જેને લઈને તે ખૂબ જ ચિંતા સાથે ગુસ્સે ભરાઈ હતી કે હવે આ માહિતી તેની વિરુદ્ઘ છૂટાછેડાના કેસમાં કોર્ટમાં ઉપયોગ થઈ શકે છે. જેથી સંગિતાએ ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ આ મામલે ફરિયાદ હતી તેમજ RTI એકટની કલમ ૮(૧)(J) મુજબ તેની મંજુરી વગર આ માહિતી ન આપી શકાય તેવું જણાવ્યું હતું. તેથી તેણે આ બાબતે જવાબદાર અધિકારી વિરુદ્ઘ પગલા ભરવા કહ્યું હતું.

જેના આધારે ૩૧ જુલાઈ ૨૦૧૭માં ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે સંગિતા કુમારીને જવાબ આપતા જણાવ્યું કે જવાબદાર માહિતી અધિકારીને કડક સુચના આપવામાં આવે છે. આ સાથે જ CIC એ અધિકારી સામે પગલા ભરવાની તેની અપીલને નકારી દીધી હતી. પરંતુ જવાબદાર અધિકારી ફકત સુચના સાથે જ છૂટી જતા હોવાને પગલે નાખુશ સંગિતાએ હાઈકોર્ટમાં આ મામલે અપીલ કરી હતી અને અધિકારી વિરુદ્ઘ દંડાત્મક કાર્યવાહી માટે માગણી કરી હતી.

સંગિતાએ પોતાની અપીલમાં કહ્યું કે ઓછામાં ઓછું જવાબદાર અધિકારી સામે વિભાગીય તપાસ તો થવી જોઈએ. ત્યારે હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે કાયદાના પાલનમાં આવી ભૂલો સમયે અધિકારી સામે શું પગલા લેવા તેની જોગવાઈ કરવામાં આવી છે. જોકે હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું કે RTI એકટની કલમ ૨૦ અંતર્ગત અધિકારી વિરુદ્ઘ દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ છે જો તે કાયદાની સાથે સુસંગત માહિતી આપવાની ના પાડે છે. પરંતુ કાયદાની કલમ ૮(૧)(J)ના ભંગ માટે જવાબદાર અધિકારી વિરુદ્ઘ શું કાર્યવાહી કરવી તેની કોઈ જોગવાઈ નથી. જેના કારણે ૩ જુલાઈએ હાઈકોર્ટે સંગિતાની અપીલ નકારી કાઢી હતી.

(1:30 pm IST)