Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

બળાત્કાર, આગ, એસિડ હુમલો વગેરેમાં 'માં' કાર્ડ મુજબ સારવાર

'વિકટીમ કોમ્પેસેશન' યોજના હેઠળ અસરગ્રસ્તોને આવકની મર્યાદા વગર રૂપિયા ૫ લાખ સુધીની સારવાર મફત મળવાપાત્રઃ ગુજરાત સરકારનો પરિપત્ર

રાજકોટ, તા. ૯ :. ગુજરાત સરકારે વિકટીમ કોમ્પેસેશન સ્કીમ અંતર્ગત અસરગ્રસ્તોને માં અને માં વાત્સલ્ય કાર્ડ હેઠળ આવરી લીધા છે. અસરગ્રસ્તોને આ બન્ને યોજનાના લાભાર્થીની માફક સરકારી ખર્ચે સારવારનો લાભ મળી શકશે. સરકાર દ્વારા માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ જેની વાર્ષિક આવક રૂ. ૪ લાખથી ઓછી હોય તેવા પરિવારોને વાર્ષિક રૂ. ૫ લાખની મર્યાદામાં હૃદય, મગજ, કિડની, બર્ન્સ, કેન્સર, ગંભીર ઈજા, નવજાત શિશુના રોગ, ઢીંચણ અને થાપાના રીપ્લેસમેન્ટની સારવારનો લાભ આપવામાં આવે છે. હવે વિકટીમ કોમ્પેસેશન સ્કીમ અંતર્ગત અસરગ્રસ્તોને લાભ મળવાપાત્ર થશે. આ અંગે આરોગ્ય વિભાગે તા. ૫ જુલાઈના રોજ ઉપસચિવ એ.એ. બાદીની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

બળાત્કાર, સામુહિક બળાત્કાર, સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, શરીરનું અવયવ ગુમાવવું, શારીરિક કે માનસિક ઈજા, જાતિય હુમલાથી મહિલાએ ગર્ભાશય ગુમાવવું, બળાત્કારને કારણે ગર્ભ રહેવો, આંખ ચાંપવાના કારણે શારીરિક ઈજા થવી, એસિડ હુમલાનો શિકાર, માનવ વેપારનો શિકાર વગેરે પ્રકારના અસરગ્રસ્તોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

સરકારે પરિપત્રમાં જણાવ્યુ છે કે, સરકારે 'મા વાત્સલ્ય' યોજના હેઠળ મળતી સારવારોમાં ગુજરાત વિકટીમ કોમ્પેસેશન સ્કીમ-૨૦૧૯ હેઠળના જાતિય હિંસાના ગુનાઓ, રેપ વિકટીમ, એસિડ એટેક વિકટીમ જેવા બનાવોના અસરગ્રસ્તોને તબીબી સારવારનો સમાવેશ કરી, આ સાથે નિયત પત્રકમાં દર્શાવ્યા મુજબના અગરગ્રસ્તોને 'મા' અને 'મા વાત્સલ્ય' યોજના હેઠળની એમ્પેનલ હોસ્પીટલોમાં તબીબી સારવાર આપવાની મંજુરી આપવામાં આવે છે.

(૧) સદર અસરગ્રસ્તોને તબીબી સારવાર આપવા માટે તેમના પરિવારની આવક મર્યાદા ધ્યાનમાં લેવાની રહેશે નહીં. (૨) સદર અસરગ્રસ્તોની સારવારના ખર્ચની મર્યાદા પ્રવર્તમાન ઠરાવ મુજબ રહેશે. (૩) સદર અસરગ્રસ્તોને તબીબી સારવાર માટે 'મા કાર્ડ'ની જરૂર રહેશે નહીં, પરંતુ આ સાથે સામેલ પત્રકમાં દર્શાવ્યા મુજબના અસરગ્રસ્તોને જ આ યોજનાનો લાભ મળવાપત્ર થશે. અસરગ્રસ્ત કે તેના પરિવારે સારવાર લેવા માટે એફ.આઈ.આર.ની નકલ વહેલી તકે રજુ કરવી જોઈએ. (૪) આ યોજનાનો લાભ ફકત અસરગ્રસ્તોને જ મળવાપાત્ર થશે. તેમના પરિવારના સભ્યોને મળવાપાત્ર થશે નહીં.

(1:30 pm IST)