Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચિંતાના વાદળો ઘેરાયાઃ કપાસ-મગફળીનું બિયારણ બળી જવાની ભીતિ

જગતના તાત કરે સાદ, આવ રે વરસાદ, વહેંચી દે જળનો પરસાદ... : સારા વરસની ખેડૂતોની આશા સામે પ્રશ્નાર્થઃ અમૂક વિસ્તારોમાં વાવણી બાકી, જ્યાં વાવણી થઈ ગઈ છે ત્યાં વરસાદની સખત જરૂર

રાજકોટ, તા. ૯ :. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ ગાયબ થઈ ગયુ છે. સૌરાષ્ટ્રમાં ગયા વર્ષે અપુરતો વરસાદ થયેલ. આ વખતે સારો વરસાદ થશે તેવી આશા સાથે ખેડૂતોએ ખેતીની તૈયારી કરેલ પરંતુ જુલાઈનું બીજુ અઠવાડીયુ ચાલુ થઈ ગયુ હોવા છતા સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર ન થતા ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. કેટલાક વિસ્તારો હજુ વાવણીથી વંચીત છે. જ્યાં પખવાડીયા પહેલા વાવણી થઈ ગયેલ ત્યાં અત્યારે સારા વરસાદની સખત જરૂર છે. અઠવાડિયામાં વાવેતર પર વરસાદ ન થાય તો જમીનની ગરમીથી બિયારણ બળી જવાની પ્રબળ શકયતા છે.

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે. મકાઈ, અળદ જેવા છૂટાછવાયા વાવેતર પણ થાય છે. જૂનમાં સારા વરસાદના એંધાણ દેખાતા ખેડૂતોએ વાવણી કરી દીધેલ. અત્યારે મોટાભાગના વિસ્તારો પાણીની સુવિધાની દ્રષ્ટિએ પ્રતિકુળ છે. વાવેતર પર અત્યારે વરસાદની ખાસ જરૂરીયાત છે. કૃષિ ક્ષેત્રના જાણકારો એવુ કહે છે કે, જો અઠવાડીયામાં વાવેતર પર વરસાદ ન થાય તો મોલ મુરઝાવા લાગશે. ખેડૂતોને બિયારણ અને ખાતરનો ખર્ચ નકામો જાય તેવી શકયતા નકારાતી નથી. સારા વરસાદની આગાહીઓ ખેડૂતોને આશા આપી રહી છે.

અત્યારે જે પવન ફુંકાઈ છે તે ગીરનારી પવન તરીકે ઓળખાય છે. તે પવનો વરસાદ ખેંચી ન શકે. સૌરાષ્ટ્રમાં વરસાદ માટે સૂરીયા પવનની જરૂરીયાત છે. જૂનના બીજા અઠવાડીયામાં સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની આડકતરી અસર આવેલ તેના કારણે વરસાદ ખેંચાય ગયાની માન્યતા છે. કુદરતી વાતાવરણમાં ગમે ત્યારે પલ્ટો આવી શકે છે. અત્યારે તો ખેડૂતો માટે ચિંતાની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યુ છે. સમગ્ર બજારની ચમક ખેતી આધારીત હોવાની વાત જાણીતી છે.

(11:45 am IST)