Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અકસ્માતે મોતના કિસ્સામાં ખેડૂતોને બે લાખની સહાય

રાજ્ય કૃષિમંત્રીએ ગૃહમાં માહિતી આપી :મહેસાણામાં ખેડૂત અકસ્માત વિમા સહાયની ૪૪ અરજી મંજુર કરાઈ : પીએમ કૃષિ સિંચાઇ યોજના આશીર્વાદરૂપ

અમદાવાદ,તા.૮ : રાજ્યમાં અકસ્માતે મૃત્યુના કિસ્સામાં ખેડૂત અકસ્માત વીમા સહાય યોજના હેઠળ તા.૨૩.૧૧.૨૦૧૮થી ૨ લાખની સહાય, જ્યારે એક હાથ, પગ, આંખ જેવી અપંગતાના કેસમાં ૧ લાખ સહાય આપવામાં આવે છે, તેમ આજે વિધાનસભા ગૃહમાં ઉંઝાના ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલ દ્વારા ખેડૂત અકસ્માત વીમ સહાય અંગે પૂછાયેલા તારાંતિક પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્ય કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર દ્વારા જણાવાયું હતું. મહેસાણા જિલ્લામાં વર્ષ- ૨૦૧૮-૧૯ ખાતેદાર ખેડૂત અકસ્માત વીમાની ૯૨ અરજીઓ મળી હતી જેમાં તા.૩૦ જૂન-૨૦૧૯ની સ્થિતિએ ૪૪ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં ૩૭ લાખથી વધુની સહાય ખેડૂતોના પરિવારને ચૂકવવામાં આવી છે. જ્યારે બાકીની ૫૫ અરજીઓ વિવિધ કારણોસર પ્રક્રિયા હેઠળ છે, તેમ પણ મંત્રીએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગૃહમાં આ અંગે વધુ માહિતી આપતાં કહ્યું કે, વર્તમાન સરકારે પ્રથમવાર ખેડૂતોના અકસ્માત મૃત્યુના કિસ્સાઓમાં ૨ લાખની વીમા સહાય કરવાની શરૂઆત કરી છે. અમારી સરકારે સાચા અર્થમાં ખેડૂતોની ચિંતા કરી છે.  રાજ્યકૃષિ મંત્રીએ કડીના ધારાસભ્ય કરશનભાઇના પૂરક પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું કે, વીમા માટેની અરજીઓમાં નિયત કરેલા દસ્તાવેજો સામેલ કરવાના હોય છે. જેના લાભાર્થી ખેડૂતના પરિવારને  સમયસર લાભ મળી શકે. દરમિયાન ગ્રામ વિકાસ રાજય મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું છે કે, ગ્રામ્યસ્તરે આજીવિકાનો વ્યાપ વધે તે માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના આશીર્વાદરૂપ પુરવાર થઇ રહી છે. વિધાનસભા ખાતે પ્રશ્નોત્તરી કાળમાં ભરૂચ જિલ્લામાં આજીવિકા વિકાસ માટેના કામોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મત્રીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં ૫૯ સ્વસહાય જૂથોને ૬૨.૮૩ લાખના લાભો પૂરા પડાયા છે. કેન્દ્ર સરકારના ધારા ધોરણ મુજબ લાભો અપાય છે. આ યોજના હેઠળ ફરારખાના, ફરસાણ મેકીંગ યુનિટ, ફોર મીલ, ગ્રીન હાઉસ વીથ નર્સરી, પેપર ડીશ મેકીંગ યુનિટ, પોલ્ટ્રી યુનિટ, જેવા કામો હાથ ધરવામાં આવ્યા છે. સામાન્ય રીતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજન હેઠળપાંચ થી આઠ ગામોની ૫ હજાર એકર જમીનને આવરી લઇને લાભો અપાય છે. સામાન્ય જમીનમાં હેકટરદીઠ ૧૨ હજાર તથા રણ વિસ્તારમાં હેકટરદીઠ ૧૫ હજારની સહાય પૂરી પાડવામાં આવે છે.

(10:02 pm IST)