Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

શાહઆલમમાં નવાબ ખાનના પૌત્રના જુગારના અડ્ડા પર રેડ

અલીખાન સહિત છની પોલીસ દ્વારા ધરપકડ : વધુ ફોર્સ સાથે પોલીસ ટુકડીએ દરોડા પાડી ઘટનાસ્થળેથી ૧૫.૬૮ લાખનો કબજે કરેલો મુદ્દામાલ : પુછપરછ શરૂ

અમદાવાદ,તા.૯ : સોલામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે દારૃ-જુગારના અડ્ડા પર એકાએક દરોડા પાડવાનું શરૃ કરી દેતાં બુટલેગરો ભૂગર્ભમાં ઊતરી ગયા છે. પોલીસે દારૃના અડ્ડાઓની સાથે-સાથે જુગારના અડ્ડા ઉપર પણ દરોડા પાડવાનું શરૃ કરતાં અસામાજિક તત્વોમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ગઇકાલે મોડી રાતે પોલીસે શાહઆલમમાં બિલ્ડર નવાબખાન પઠાણના પુત્ર ઐયુબખાનના બંગલા પર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે ઘટનાસ્થળેથી નવાબખાનના પૌત્ર અલીખાન સહિત છ લોકોને રંગેહાથ ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી ૬.૮૩ લાખની રોકડ સહિત રૃ.૧પ.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને છ જુગારીઓની ધરપકડ કરી હતી. રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસે  શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ અને ચેકીંગ અસરકારક બનાવી દીધું છે તો, સાથે સાથે દારૃ જુગારના અડ્ડા પર દરોડા પાડી અસામાજિક તત્વો વિરૃધ્ધ સપાટો બોલાવવાનું શરૃ કર્યું છે. ગઇકાલે દાણીલીમડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે  બિલ્ડર નવાબખાન પઠાણના પુત્ર ઐયુબખાન ઉર્ફે પપ્પુખાનના બંગલામાં ચાલતા જુગારધામને ઝડપી પાડયું હતું. ઉચ્ચ અધિકારીઓ પાસેથી રેડની મંજૂરી મેળવ્યા બાદ દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. જી. ખાંટ સહિતની ટીમ પપ્પુખાનના અડ્ડા પર દરોડા પાડવા માટે પહોંચી ગઇ હતી. પપ્પુખાનનો બંગલો શાહઆલમ નવાબની ચાલીમાં આવેલો હોવાથી પીએસઆઇ વધુ પોલીસ ફોર્સ લઇને રેડ કરવા માટે ગયા હતા. મોડી રાતે પીએસઆઇ સહિતનો પોલીસનો કાફલો પપ્પુખાનના બંગલામાં ઘૂસી ગયો હતો અને જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. પપ્પુખાનના બંગલાથી પોલીસે પપ્પુખાનના પુત્ર અલીખાન, મોહંમદ આસિફ મુનશી, જેનીલ શાહ, સરફરાઝ શેખ, ફેનિલ શાહ અને ઇમ્તિયાઝ મહેમુદ પઠાણને જુગાર રમતાં પકડી પાડ્યા હતા. પોલીસે અલીખાન સહિત છ લોકોની જુગારધારા એક્ટ હેઠળ ધરપકડ કરીને ૬.૮૩ લાખ રોક્ડા, ૧.૭૦ લાખની કિંમતના ૧૦ મોબાઇલ ફોન, એક ફોર વ્હિલર અને ચાર ટુ વ્હિલર સહિત રૃ.૧પ.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે અલીખાન કોંગ્રસના કોર્પોરેટર સહેજાદ ખાન ઉર્ફે અલીબાબાનો પિતરાઇ ભાઇ થાય છે. અલીખાન ખાલી જુગારના કેસમાં નહીં, પરંતુ ગેરકાયદે જમીન પર કબજા અને હિટ એન્ડ રન જેવા ગંભીર કેસમાં પણ સંડોવાયેલો છે.

થોડાક સમય પહેલાં શહેરના નારોલ સર્કલ પાસે આવેલી જમીન પર કબજો કરવા આવેલા ૩પ કરતાં વધુ લુખ્ખાં તત્ત્વોએ પાંચ યુવકો પર કરેલા ઘાતકી હુમલામાં માસ્ટર માઇન્ડ અલીખાનનું હોવાનું નામ સામે આવ્યું હતું. જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસે રહેતા મોહંમદ આસિફ નિજામુદ્દીન શેખે નારોલ વિસ્તારમાં આવેલી વિલ્સન હોટલ પાસે એક જગ્યા ભાગીદારીમાં ખરીદી હતી. આ જમીનના મામલે અસામાજિક તત્ત્વો જમીન પર બાંધકામ કરવું હોય તો ખંડણી આપવી પડશે તેવી ધમકી આપતાં હતાં. ત્યારબાદ અલીખાને તેના સાગરીતો મારફતે આસિફ શેખ પર હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ થઈ હતી. દરમ્યાન ગત તા.૭ જૂન, ર૦૧પના રોજ મોડી રાતે અલીખાન પુરઝડપે પોતાની એસયુવી કાર લઇને નીકળ્યો હતો, જ્યાં તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૧ શ્રમજીવી લોકો પર કાર ચઢાવી દીધી હતી. આ ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માત સર્જી અલીખાન ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. આમ, નવાબખાનનો પૌત્ર એકથી વધુ ગુનામાં સંડોવાયેલો હોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(9:23 pm IST)