Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પાર્ટી પ્લોટ મેન્ટેનન્સમાં પણ ખાનગીકરણનો વિવાદ થયો

ખાનગી કોન્ટ્રાકટરને મેન્ટેનન્સનું કામ સોંપાશે : પ્રારંભિક તબક્કામાં ૩૨ હોલ અને પાર્ટી પ્લોટને આવરી લેવાયા છે : વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદ,તા.૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક પછી એક નિર્ણયો લઇ ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યું છે. અમ્યુકો તંત્ર દ્વારા હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મ્યુનિસિપલ હોલ, પાર્ટી પ્લોટ, પિકનિક હાઉસની સાફસફાઇ, ઇલેક્ટ્રિક અને સિવિલ, સાઉન્ડ સિસ્ટમ તેમજ ગાર્ડન-લોનનું મેન્ટેનન્સ અને સિક્યોરિટીની બાબતોનું સમગ્ર કામ ખાનગી કોન્ટ્રાક્ટરને આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે, જેને લઇ વિપક્ષ કોંગ્રેસે પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસે તંત્રની ખાનગીકરણની નીતિને વખોડી કાઢી ખાનગી  મળતિયા કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવાના હેતુથી આવા નિર્ણયો લેવાઇ રહ્યાનો આક્ષેપ કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેના આ નિર્ણયની અમલવારીમાં પ્રારંભિક ધોરણે તેમાં કુલ ૩૨ હોલ-પાર્ટીપ્લોટને આવરી લેવાયા છે. અમ્યુકો તંત્ર સંચાલિત હોલ, પાર્ટીપ્લોટમાં સાફ સફાઇની કામગીરી મ્યુનિસિપલ હેલ્થ વિભાગને સોંપાઇ છે, જ્યારે બંધ પંખા, ટ્યૂબલાઇટ, એસીને ચાલુ કરવાની જવાબદારી લાઇટ વિભાગ કરે છે. સિવિલ અને ઇલેક્ટ્રિકનાં કામો ઇજનેર વિભાગ દ્વારા કરાવવામાં આવે છે, પરંતુ આના કારણે એકસૂત્રતા જળવાતી નથી તેમજ નાગરિકોને પ્રંસગની ઉજવણી દરમિયાન હેરાન થવું પડે છે. એટલે તંત્ર દ્વારા 'ટંકી પ્રોજેક્ટ' હેઠળ વસ્ત્રાપુર એમ્ફી થિયેટર, સાંઇ ઝુલેલાલ ઓપન એર થિયેટર, બળવંતરાય ઠાકોર કોમ્યુનિટી હોલ, ખંડુભાઇ દેસાઇ કોમ્યુનિટી હોલ, નરોત્તમ ઝવેરી કોમ્યુનિટી હોલ, રાણીપ કોમ્યુનિટી હોલ, વસંત રજબ કોમ્યુનિટી હોલ, વાસણા પાર્ટી પ્લોટ, પ્રહ્લાદસિંહ બુદ્ધસિંહ પાર્ટી પ્લોટ એમ કુલ ૩૨ હોટલનું સમગ્ર મેન્ટેનન્સ અને સિક્યોરિટી એક જ કોન્ટ્રાક્ટરને આપવાની કવાયત હાથ ધરાઇ છે. જેમાં જે તે હોલ, પાર્ટી પ્લોટનો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટર કોઇ પણ અન્યને પેટા કોન્ટ્રાક્ટર તરીકે કામ સોંપી નહીં શકે, સિક્યોરિટી માટે હોલ-પ્લોટના વપરાશ સમયે ત્રણ વ્યક્તિ પ્રતિ શિફ્ટ, એક ઇલેક્ટ્રિશિયન પ્રતિ શિફ્ટ, સાફસફાઇ માટે ચાર વ્યક્તિ પ્રતિ શિફ્ટ અને એક સુપરવાઇઝર જેવી શરતોનું પાલન કરવાનું રહેશે.

અનેક વાર જે તે હોલ કે પાર્ટી પ્લોટનું વર્ષ દરમિયાન વીસ દિવસ પણ બુકિંગ થતું નથી તેવા સંજોગોમાં પણ કોન્ટ્રાક્ટરને સમગ્ર વર્ષની રકમ ચૂકવવાના બદલે તંત્ર દ્વારા જે તે હોલ-પાર્ટીપ્લોટના ભાડાની આવકની વીસ ટકા રકમ પ્રથમ વર્ષે જે તે કોન્ટ્રાક્ટરને ચૂકવાશે, જેમાં બુકિંગ કરનાર નાગરિક પાસેથી વસૂલાયેલી ડિપોઝિટ, ચાર્જ, પેનલ્ટી સહિતની અન્ય રકમનો સમાવેશ થતો ન હોઇ આનાથી મ્યુનિસિપલ તિજોરીને ખાસ્સી એવી આર્થિક બચત થશે. જો કે, વિપક્ષ દ્વારા અમ્યુકો સત્તાધીશોના ખાનગીકરણના નિર્ણય પરત્વે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ૃ

 

(9:23 pm IST)