Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સેટેલાઇટ ગેંગ રેપ : આરોપીના શરૃ કરાયેલ વૈજ્ઞાનિક પરીક્ષણો

નાર્કો, બ્રેઇન સહિતના ટેસ્ટમાં ચાર દિવસ લાગશે : પોલીસ, કેસ સાથે સંકળાયેલ બધા લોકોની નજર વૈજ્ઞાનિક પરીક્ષણના રિપોર્ટ ઉપર : ઘણી બધી બાબતો સ્પષ્ટ કરાશે

અમદાવાદ,તા. ૯ : શહેરમાં ચકચારી એવા સેટેલાઇટ ગેંગરેપ મામલે કથિત આરોપીઓના આજે નાર્કોટેસ્ટ સહિતના વૈજ્ઞાનિક પરીક્ષણની આજથી શરૃઆત કરવામાં આવી હતી. આરોપીઓના નાર્કો, બ્રેઇન મેપીંગ, પોલિગ્રાફીક અને લાઇવ ડિટેકશન ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ચાર દિવસનો સમય લાગે તેમ છે. જો કે, આ વૈજ્ઞાનિક પરીક્ષણના કારણે સમગ્ર કેસમાં સત્ય હકીકતો અને મહત્વના તથ્યો સામે આવે તેવી પણ શકયતા છે. પોલીસ માટે વૈજ્ઞાનિક પરીક્ષણના અહેવાલો બહુ મહત્વના બની રહેશે. સેટેલાઇટ ગેેંગરેપ કેસમાં આજે સવારે કથિત આરોપી ગૌરવ, યામિની અને વૃષભને ભારે સુરક્ષા જાપ્તા વચ્ચે ગાંધીનગર એફએસએલ કચેરીમાં લઇ જવાયા હતા. નાર્કોટેસ્ટ પહેલાં તેઓના શારીરિક અને માનસિક ટેસ્ટ લેવાયા હતા. જો કે, નાર્કો ઉપરાંત, આરોપીઓના બ્રેઇન મેપીંગ સહિતના વૈજ્ઞાનિક પરીક્ષણ પણ કરવાના હોઇ આ સમગ્ર પ્રક્રિયામાં ચાર દિવસનો સમય લાગે તેમ મનાઇ રહ્યું છે. જેથી પોલીસ અને આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકો વૈજ્ઞાનિક પરીક્ષણની પ્રક્રિયા અને તેના અહેવાલ પર નજર રાખીને બેઠા છે. કારણ કે, વૈજ્ઞાનિક પરીક્ષણોના આ અહેવાલ પરથી કેસની ઘણી બાબતો સ્પષ્ટ થઇ જશે અને સાચા તથ્યો બહાર આવી શકશે. ઉલ્લેખનીય છે કે, શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા વેપારીની પુત્રીનાં અપહરણ અને ગેંગરેપ મામલે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ છે. પીડિતાની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ કરી યામિનીની રાજકોટથી અટકાયત કરી હતી. જ્યારે કથિત આરોપી ગૌરવ અને વૃષભ ક્રાઇમ બ્રાંચમાં હાજર થયા હતા. ત્રણેયે પોલીસ સમક્ષ પોતાની કેસમાં કોઇ સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું. પોલીસ સમક્ષ તેઓએ બ્રેઇન મેપિંગ અને નાર્કોટેસ્ટ માટેની તૈયારી બતાવી હતી.  ત્રણેય કથિત આરોપીઓએ પોતાના નાર્કોટેસ્ટ સહિતના વૈજ્ઞાનિક પરીક્ષણો માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણેયની અરજી ગ્રાહ્ય રાખી નાર્કોટેસ્ટ કરાવવાની મંજૂરી આપી હતી. જેને પગલે આજે સવારે ત્રણેયને નાર્કોટેસ્ટ માટે ગાંધીનગર એફ.એસ.એલ કચેરીએ લઇ જવાયા હતા. નાર્કોટેસ્ટ કરતા પહેલાં ત્રણેય શારીરિક અને માનસિક રીતે ટેસ્ટ માટે સક્ષમ છે કે કેમ તે અંગેનો ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદ વૈજ્ઞાનિક પરીક્ષણની સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

(8:56 pm IST)