Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ: બંધ મકાનનું તાળું તોડી 3.40 લાખની ઉઠાંતરી

ગાંધીનગર: શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે શહેર નજીક આવેલા સુઘડ ખાતે સત્યમેવ છાવણીમાં બંધ મકાનનું તાળું તોડી ૩.૪૦ લાખની મત્તા તસ્કરો ચોરીને પલાયન થઈ ગયા હતા. આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરી છે.

 


ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે પોલીસ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા માટે શહેરમાં પોલીસ ચોકીઓ વધારવાની સાથે શહેરમાં તંબુચોકી કાર્યરત કરવામાં આવી હતી. પરંતુ ઘરફોડ ચોરીના બનાવો અટકવાનું નામ લેતાં નથી. શહેરમાં એક પછી એક બંધ મકાનોને તસ્કરો નિશાન બનાવી રહયા છે ત્યારે શહેર પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારો પણ હવે તસ્કરોના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. શહેર નજીક આવેલા સુઘડમાં સત્યમેવ છાવણી-પ માં મકાન નં.એચ-૧૦માં રહેતાં મહેન્દ્રકુમાર બાબુલાલ પટેલ સબ મર્સિબલ પંપનો વ્યવસાય કરે છે. ગત તા.૬ઠ્ઠીએ તેઓ તેમના પરિવાર સાથે વડોદરા મુકામે ગયા હતા આ દરમ્યાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડી તિજોરીમાંથી સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળી ૩.૪૦ લાખની મત્તા ચોરી લીધી હતી.

(6:43 pm IST)