Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મહુવા તાલુકાના આમચકમાં માછલી પકડવા ગયેલ દંપતી પૈકી પત્ની પાણીમાં તણાઈ

મહુવા:તાલુકાના આમચક ગામે પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં મચ્છરદાની લઇ માછલી પકડવા ગયેલા દંપતિમાંથી પત્ની ઉંડા પાણીમાં ખેંચાઇને તણાઇ ગઇ હતી. શોધખોળ બાદ  પણ ન મળતા પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.

આમચક ગામે મણીનગર ફળિયામાં અશોક રવજીભાઇ હળપતિ, પત્ની કાળીબેન (ઉ.વ. ૪૦) અને પુત્ર મહેશ સહિત પરિવાર સાથે રહે છે. ઉપરવાસમાં વરસાદ થતાં પૂર્ણા નદીમાં પૂર આવ્યા હતા.

ગતરોજ બપોરના  દોઢ વાગે અશોકભાઇ પત્ની કાળીબેન સાથે મચ્છરદાની લઇ પૂર્ણા નદીના પાણીમાં માછલી પકડવા ગયા હતા. મચ્છરદાની પતિ-પત્ની બંને છેડેથી પકડીને નદીના પાણીમાં જઇ માછલી પકડતા હતા તે સમયે કાળીબેનનો પગ અચાનક લપસી જતાં નદીના ઉંડા પાણીમાં ખેંચાઇને પાણીના વમળમાં ડૂબી ગઇ હતી.

અશોકભાઇ પત્ની કાળીબેનને બચાવવા નદીના પાણીમાં ત્રણેક વાર ડૂબકી લગાવી પરંતુ પાણીના ભારે વહેણમાં કાળીબેન મળી ન હતી. અશોકભાઇએ ઘરે જઇ પુત્ર મહેશ તથા ફળિયાના માણસોને જાણ કરતાં અનેક તરવૈયા નદીના પાણીમાં કાળીબેનની શોધખોળ કરી પરંતુ સાંજ સુધી નહીં મળતા અશોકભાઇ હળપતિએ મહુવા પોલીસને જાણ કરતાં પોલીસે જાણવાજોગ  નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(6:42 pm IST)