Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

શેલ્બી હોસ્પિટલમાં લીવરની બે સફળ સર્જરી

સેન્ટર ફોર લીવર ડીસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન સ્થાપવાની જાહેરાતઃ બે સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટસ કર્યા, જેમાં એક જીવંત ડોનરનું તથા અન્ય મૃત્યુ પામેલા સુરતના વૃદ્ધ બ્રેઈન ડેડ ડોનર તરફથી મળેલા લીવરનો સમાવેશ

(કેતનખત્રી) અમદાવાદ : દેશભરમાં મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલોનું સંચાલન કરતી શેલ્બી હોસ્પિટલે એસ.જી. રોડ અમદાવાદ ખાતેના એકમમાં જરૂરીયાત ધરાવતા લોકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી જીવ બચાવી શકાય તે માટે સેન્ટર ફોર લીવર ડીસીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન (સીએલડીટી) સ્થાપ્યાની જાહેરાત કરી છે. હોસ્પિટલ હવે મૃતદાતા, જીવંત ડોનર તથા પુખ્ત તેમજ બાળકોને તાકીદની સ્થિતિમાં તમામ પ્રકારનાં લીવર ટ્રાન્સપ્લાન્ટની નિપુણતા ધરાવે છે.

શેલ્બીની કુશળ ટીમે તાજેતરમાં સુરતના ૮૦ વર્ષની ઉંમરના સૌથી વૃદ્ધ બ્રેઈન ડેડ વ્યકિતના લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે. આ લીવર ગ્રીન કોરીડોર મારફતે સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યુ હતું. જેના કારણે અમદાવાદમાં વસતા લીવરની ગંભીર હાલત ધરાવતા દર્દીને જીવનદાન મળ્યુ છે. બીજી તરફ ઉદેપુરનાં કલ્યાણસિંહને આ સેન્ટર ખાતે લીવર દાતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ છે.

આ સર્જરી ડો. આનંદ કે. ખખ્ખર, ડો. વિનય કુમારન, ડો.ભાવિન વસાવડા તથા ડો.હાર્દિક પટેલની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ ભારતમાં દર વર્ષે ૨ લાખ લોકો લીવરના રોગને કારણે મોતને ભેટે છે. એક અંદાજ મુજબ તેમાંથી૨૫ હજારથી ૩૦ હજાર લોકોના જીવ લીવર ટ્રાન્સપ્લાન્ટ દ્વારા બચાવી શકયા હોત. આમ છતાં ભારતમાં દર વર્ષે થતા લીવર ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા તેના ૧૦મા ભાગ જેટલી જ હોવાનું એક યાદીમાં જણાવાયુ છે.(૩૭.૧૨)

(4:33 pm IST)