Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ઉમરગામ ૭ ઇંચથી જળબંબાકાર

અપર એર સરકયુલેશનને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીઃ સુરતમાં કોઝવેની જળસપાટી ૬.ર૦ મીટરે પહોંચીઃ દમણમાં ભારે વરસાદઃ રપ તાલુકાઓમાં મેઘમહેર

વાપી, તા., ૯: રાજયમાં માત્ર રપ તાલુકાઓમાં મેઘરાજા હેત વરસાવી રહયા છે જયારે અન્ય વિસ્તારોમાં મેઘરાજા વિરામ પર જણાયા છે.

જુલાઇ માસના બીજા પખવાડીયાનો પ્રારંભ થયો છે. ત્યારે પણ રાજયમાં આ સિઝનમાં સરેરાશ માત્ર ૧૭ ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે અને આજે પણ રાજયના ૬ તાલુકા કોરાધાકડ છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર અપર એર સરકયુલેશનના કારણે આગામી પાંચ દિવસમાં દક્ષિણ-ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી,  અને ડાંગ, તાપી ઉપરાંત સંઘપ્રદેશના દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે.

એટલું જ નહિ દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ દરિયાકાંઠે વસતા માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચન કરાયું છે.

છેલ્લા ૭૨ કલાકથી મેઘરાજા સોૈથી વધુ હેત દ.ગુજરાત પંથક ઉપર વરસાવી રહયા છે. અને એમા પણ જાણે ટાર્ગેટ ઉમરગામને બનાવ્યું હોય તેમ જણાય છે. ઉમરગામમાં પડેલા ભારેથી અતિભારે વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળવા સાથે અનેક ઘરોમાં પાણી ઘુસી જતા પ્રજાજનોની હાલત કફોડી બની હતી.

દ.ગુજરાતમાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ બે કાંઠે વહેવા લાગી છે. ગણદેવીની અંબિકા નદીની પાણીની આવક વધતા સુરક્ષાના ભાગરૂપે દેવધા ડેમના ૪૦ દરવાજાઓ માંથી ૨૦ દરવાજા ખોલી નંખાયા છે તેમજ નદીનાં કિનારાના ગામોને પણ એલર્ટ કરાયા છે.

સુરત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી પણ વધી રહી છે આજે સવારે ૯ કલાકે ઉકાઇ ડેમની જળસપાટી ૨૮૬.રર ફુટે પહોંચી છે. તો છેલ્લા ૪૮ કલાકમાં શહેરના કોઝવેની જળસપાટી વધીને આજે સવારે ૬.૨૦ મીટરે પહોંચી છે. જેને પગલે એક તબક્કે વાહન વ્યવહાર પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી.

આવી સ્થિતિ દમણગંગાના મધુબન બંધની છે. અહી પણ સપાટી વધતા ગઇકાલે વહીવટી તંત્રને બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પરંતુ આજે પાણીની આવકમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે.

પુર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં માછલા પકડવા ગયેલ કાળીબેન હળપાલ નામની પરીણીતાનો પગ લપસતા પ્રવાહમાં તણાઇ ગઇ હતી. જેની હજુ સુધી ભાળ મળી નથી. દ.ગુજરાતની સાથે સાથે મેઘરાજા સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ પંથકમાં પણ અનરાધાર હેત વરસાવી રહયા છે.

જેને પગલે દમણમાં પ ઇંચ જેટલો અને દાદરામાં વધુ ર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં દ.ગુજરાતમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડાને જોઇએ તો..

વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ર૩ મીમી, કપરાડા ૧૯ મીમી, પારડી ૧૮ મીમી, વલસાડ ૬ મીમી, વાપી ર૪ મીમી અને ઉમરગામ ૧૮૮ મીમી ભારે વરસાદ નોંધાયો છે.

આ સાથે ઉમરગામ તાલુકાનો સિઝનનો કુલ વરસાદ પ૭ ઇંચ જેટલો નોંધાયો છે અને જે કદાચ રાજયનમાં આ સિઝનનો અત્યાર સુધીનો હાઇએસ્ટ વરસાદ હશે.

આ લખાઇ રહ્યું છે ત્યારે સવારે ૧૦ કલાકે દમણ, સેલવાસ, વાપી, પારડી, ઉદવાડા, વલસાડ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ડોળ કર્યો છે. (૪.૬)

(4:32 pm IST)