Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

'જગન્નાથમય' માહોલ : જગન્નાથ મંદિર સરસપુરમાં સેંકડો ભકતો ઉમટી પડયા

જગન્નાથ મંદિરમાં મગનું દાન આપવા માટે ભકતોની લાંબી લાઇનઃ સરસપુર રણછોડજી મંદિરમાં આજે બપોરે ૪.૩૦ થી રાત્રે ૮.૩૦ સુધી લાખેણા મામેરાના દર્શન

અમદાવાદ તા. ૯ : ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા માટે હવે એક સપ્તાહ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. રથયાત્રા પૂર્વેનો આજે અંતિમ રવિવાર હોવાથી જગન્નાથ મંદિર અને ભગવાનના મોસાળ રણછોડજી મંદિરમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતા. હવે આજે સરસપરના રણછોડજી મંદિરમાં બપોરે ૪.૩૦થી રાત્રે ૮.૩૦ દરમિયાન ભગવાનના લાખેણા મામેરાના દર્શનનો લ્હાવો મળશે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઇ બળદેવજી હાલમાં સરસપુર ખાતે રણછોડજી મંદિરમાં છે. જેના કારણે જગન્નાથ મંદિરમાં હાલ માત્ર ભગવાનની તસ્વીરના જ દર્શન થઇ શકે છે અને તેનો લ્હાવો લેવા માટે પણ ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. બીજી તરફ સરસપુર સંપૂર્ણ 'જગન્નાથમય' બની ગયું છે.

સરસપુરમાં હાલ દરરોજ સાંજે વિવિધ ભકતમંડળ દ્વારા ભજન યોજવામાં આવી રહ્યા છે. આ ભજનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. જગન્નાથ મંદિરમાં શ્રદ્ઘાળુઓ મોટી સંખ્યામાં મગનું દાન કરી રહ્યા છે. રથયાત્રા નીકળે છે ત્યારે ઉપરણાની સાથે પરંપરાગત રીતે મગનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. જેમાં ગત વર્ષે ૨૫ હજાર કિગ્રા મગનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, 'શાસ્ત્રોમાં દાનના અનેક પ્રકાર દર્શાવવામાં આવ્યા છે અને તેમાં અન્નદાનને મહાદાન કહેવામાં આવે છે. હાલ જગન્નાથ મંદિરમાં મુઠ્ઠી થી લઇને મણ સુધી ભકતો યથાશકિત મગનું દાન કરવા માટે આવે છે. ' બીજી તરફ જગન્નાથ મંદિર પરિસરમાં મહિલા મંડળો ભજનો ગાતા-ગાતા મગ સાફ કરે છે. રથયાત્રના દિવસો નજીક આવી રહ્યા છે તેમ જગન્નાથ મંદિર અને રણછોડજી મંદિરમાં સલામતી બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.(૨૧.૭)

શનિવારે ૧૪૧મી રથયાત્રા

૧૪ જુલાઇ-શનિવારના ૧૪૧મી રથયાત્રા નીકળશે. આ દિવસે સવારે ૭ વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિન્દ વિધિ કરીને રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. ૧૪ જુલાઇના યોજાનારી મંગળા આરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે.

(11:57 am IST)