Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના ચરણથી પ્રાસાદિક બનેલી ભૂમિ - કરજીસણ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૫ મો પાટોત્સવ ઉજવાયો

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણનો ૪૫ મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો હતો. ૩૬ વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા તથા શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ નાદવંશીય પરંપરાના શ્રી ચરણોથી અનેકવાર પાવન થયેલી આ કરજીસણની ભૂમિ. નીડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આ ભૂમિ પર પધારી કારણ સત્સંગના બીજ રોપ્યાં હતા. જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અવિરત વિચરણથી કરજીસણ ગામમાં સત્સંગની અભિવૃદ્ધિ થઈ. 

વેદ રત્ન આચાર્ય સ્વામીજી મહારાજના અનુગામી શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાના મૂર્તિઓનો ષોડશોપચાર વિધિથી પૂજન- અર્ચન કરે આરતી ઉતારી હતી. પાકો પર્વે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, સંતો-મહંતોના પ્રવચનો, કથાવાર્તા, પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના *પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે* અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા વેદરત્ન આચાર્ય શ્રી 

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. વડીલો, વૃદ્ધોએ, ખાસ નાનાં બાળકોને પોતાની પાસે બેસાડીને રમત ગમતમાં સંસ્કાર આપવાનાં, મંદિરનાં દર્શને લાવવાના, આ ફરજ દાદા દાદીની થાય છે. પછી માતા પિતાની ફરજ બને છે કે રોજ મંદિરે દર્શન કરવા મોકલવા. બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે.

સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહની અનોખી લહેર પ્રસરી ગઈ. આ દિવ્ય અને ભવ્ય મહોત્સવનાં ઓનલાઇન દર્શનનો લ્હાવો લઈ સૌ અહોભાવથી છલકાઈ ઉઠ્યા હતા.

પૂજનીય સંતોનાં માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધ હરિભક્તોની અનન્ય સેવાથી આ ઉત્સવ ભક્તિ-ભાવપૂર્વક સંપન્ન થયો.

(3:00 pm IST)