Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

શાળાઓ માટે નવા શૈક્ષણિક વર્ષનું કેલેન્ડર આખરે જાહેર

બોર્ડ દ્વારા વર્ષના શૈક્ષણિક કાર્યક્રમની જાહેરાત : વર્ષ દરમિયાન બાવન રવિવાર, ૧૭ જાહેર રજાઓ, ર૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩પ દિવસનું ઉનાળુ વેકેશન

અમદાવાદ,તા.૯ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક શાળાઓ માટેના નવા શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરાયું છે. તે મુજબ આગામી વર્ષે ધો.૧૦ અને ૧ર સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.૭ થી ર૩ માર્ચ, ર૦૧૯ દરમિયાન લેવાશે. આગામી વર્ષે ધો.૧૦ અને ૧રની પરીક્ષા તા.૬ થી ૯ જૂન સુધી લેવાશે. જ્યારે ધો.૯-૧૦-૧૧ અને ૧રની પહેલી સત્રાંત પરીક્ષા તા.૧૯ થી ૩૦ ઓક્ટોબર, ર૦૧૮ દરમિયાન લેવાશે.

ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા તા.૧પ થી ૧૮ ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન શાળા કક્ષાએ યોજાશે. જ્યારે ધો.૧૦ અને ૧રની શાળાઓ દ્વારા લેવાતી પ્રાયોગિક પરીક્ષા તા.૧ર થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. ધો.૯ અને ૧૧ની વાર્ષિક પરીક્ષા તા.૮ થી ૧૬ એપ્રિલ દરમિયાન લેવાશે. ધો.૧૦-૧૧ અને ૧રની  પ્રિલિમનરી પરીક્ષા તા.ર૮ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમિયાન લેવાશે. શૈક્ષણિક વર્ષ દરમિયાન બાવન રવિવાર, ૧૭ જાહેર રજાઓ, ર૧ દિવસનું દિવાળી વેકેશન અને ૩પ દિવસ ઉનાળુ વેકેશનની રજા મળશે. પહેલું સત્ર ટૂંકું રહેશે, જ્યારે બીજા સત્રમાં ૧૦ર દિવસ શૈક્ષણિક કાર્ય થશે. બોર્ડ દ્વારા શાળાઓ માટે નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરાતાં સંચાલકો અને શિક્ષકોને પણ એક માર્ગદર્શન મળી રહેશે તો, સાથે સાથે વિદ્યાર્થી અને વાલીઓને પણ તેમની શૈક્ષણિક તૈયારી અને આયોજનમાં મદદ મળી રહેશે.

(9:16 pm IST)