Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અમદાવાદ યોગ દિવસ પૂર્વે ૧૪ જૂનથી યોગમય બનશે

૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી : ૧૪મીથી ૨૦મી સુધી યોગશિબિરોનું મોટાપાયે આયોજન વિદ્યાર્થીઓ, નાગરિકો અને મહાનુભાવો યોગ ક્રિયા કરશે

અમદાવાદ,તા.૯ : સમગ્ર દેશમાં તા.ર૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે  ત્યારે અમદાવાદ શહેરમાં પણ તેની ઉજવણીની તૈયારી જોરશોરથી શરૂ થઇ ચૂકી છે. અમદાવાદ શહેરમાં તા.૧૪ જૂનથી ર૦ જૂન સુધી વિદ્યાર્થીઓ અને શહેરના નાગરિકો માટે વિવિધ યોગ શિબિર યોજાશે. યોગ ટીચર માટેની યોગ ટ્રેનિંગ શિબિર તો શરૂ પણ થઇ ચૂકી છે. આ યોગશિક્ષકો બાદમાં યોજાનારી યોગશિબિરોમાં વિદ્યાર્થી અને નાગરિકોને યોગ વિશેની સાચી માહિતી અને સમજ પૂરી પાડશે. એટલું જ નહી, તેમને સાચા અર્થમાં કેવી રીતે યોગ કરવા અને તે માટેની સાચી પધ્ધતિ કઇ તેનું જ્ઞાન પણ પૂરું પાડશે. યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.૧૪થી ૨૦ જૂન દરમ્યાન શહેરના તમામ મ્યુનિસિપલ-ઔડા ગાર્ડનમાં, મ્યુનિસિપલ શાળાઓ, ત્રિદેવ મંદિર વગેરે સ્થળોએ નાગરિકો માટે યોગ ટ્રેનિંગ કાર્યક્રમ યોજાશે, જેના માટે શહેરના બગીચાઓની સાફસફાઇ શરૂ થઇ ચૂકી છે. શહેરના ર.પ૦ લાખથી વધુ નાગરિકો યોગ દિવસની ઉજવણી નિમિતે યોજાનારી શિબિરમાં ભાગ લેવાના છે. તો બીજીબાજુ, જીએમડીસી ગ્રાઉન્ડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ સહિતનાં અનેક સ્થળો યોગ દિવસની ઉજવણી માટે પસંદ કરાયાં છે કે જયાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત શહેર-રાજ્યની નામાંકિત વ્યકિતઓ મુખ્યપ્રધાન સાથે યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયા છે. રિવરફ્રન્ટ અને જીએમડીસી ગ્રાઉન્ડની આસપાસ આવેલાં પાંચ ગ્રાઉન્ડમાં પણ યોગ કાર્યક્રમ યોજાશે. શહેરમાં મોટાપાયે યોજાનારી યોગ શિબિર અને યોગ દિનની ઉજવણીને ધ્યાનમાં રાખી શહેર પોલીસ તંત્ર દ્વારા પણ સુરક્ષા અને સલામતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તો આ યોગ શિબિરોમાં વિદ્યાર્થીઓથી માંડી રાજકીય મહાનુભાવો સામેલ થનારા હોઇ ટ્રાફિકમાં કોઇ મોટી સમસ્યા ના સર્જાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટ્રાફિકની ખાસ વ્યવસ્થા અને રૂટ ડાયવર્ઝનનું આયોજન હાથ ધરાયું છે. પોલીસે મહત્વના સ્થળો અને પોઇન્ટો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાનું આયોજન કર્યું છે.

(9:04 pm IST)