Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

૧૭ સ્મશાનગૃહોની ભઠ્ઠીઓ કરોડોના ખર્ચથી રિપેર કરાશે

રોડ એન્ડ બિલ્ડીંગ કમીટીની બેઠકમાં ચર્ચા થઈ : કાલુપુરના સ્વામિનારાયણ મંદિર, વિવિધ બ્રીજ, કાંકરિયા લેકને કાયમી ધોરણે લાઇટીંગથી સુશોભિત કરવા તૈયારી

અમદાવાદ,તા.૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વીએસ હોસ્પિટલ, થલતેજ સહિતનાં સ્મશાનગૃહની ૧૭ જેટલી સીએનજી ભઠ્ઠીના ઓપરેશન-મેન્ટેનન્સ સહિતના કોન્ટ્રાકટ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આજે મળનાર રોડ- બિલ્ડિંગ કમિટીમાં આ માટેના રૂ.ર.૮૯ કરોડના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું છે. જેથી હવે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા સ્મશાનગૃહોની ભઠ્ઠી રૂ.૨.૮૯ કરોડના ખર્ચે રિપેર અને સજ્જ થશે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમ્યુકોની રોડ-બિલ્ડિંગ કમિટીમાં શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર, એલિસબ્રિજ, સરદારબ્રિજ, નહેરુબ્રિજ અને કાંકરિયા લેકને કાયમી ધોરણે અદ્યતન પ્રકારના લાઇટિંગથી સુશોભિત કરવાની કામગીરી માટે કન્સલ્ટન્ટ રાઇનો એન્જિનિયર પ્રા.ખ લિ.ની નિમણૂક કરવાની દરખાસ્ત પણ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ વિસ્તારના બીઆરટીએસ કોરિડોરના બસસ્ટેન્ડના ડોકિંગ યાર્ડના ભાગમાં બસના બ્રેકિંગ એકશનથી આસ્ફાલ્ટ રોડ પર ખાડા પડયા હોઇ તેના રિપેરિંગ માટે રૂ.૩૮.૧૮ લાખના ટેન્ડરને પણ કમિટીમાં મુકાયું છે. જ્યારે મ્યુનિસિપલ સંચાલિત એલજી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં હયાત ફલોર માઉન્ટેડ એસી પ્લાન્ટ ઘણો જૂનો થયો હોઇ તેની જગ્યાએ સેન્ટ્રલી એસી પ્લાન્ટમાં કૂલિંગ પર્ફોર્મન્સના ઇમ્પ્રૂવમેન્ટ સહિતની કામગીરી માટે રૂ.૩ર.૬ર લાખના ટેન્ડરને લાઇટ ખાતાએ તૈયાર કર્યું હોઇ આ ટેન્ડર પણ આજે મળનારી રોડ-બિલ્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મુકાયું છે. જેથી વિવિધ સ્મશાનગૃહોની ભઠ્ઠીના ઓપરેશન-મેન્ટેનન્સની સાથે સાથે અન્ય મહત્વના કામોને પણ તંત્ર દ્વારા હાથ પર લેવાયા છે, જેને લઇ આગામી દિવસોમાં તેની અમલવારીની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(9:03 pm IST)