Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વેસ્ટમાંથી બેસ્ટની વિચારધારાને આગળ વધારીને વડોદરા કોર્પોરેશને કચરાના ઢગલા ઉપર બગીચો ઉછેરીને રાજ્યના અન્ય શહેરોને નવી દિશા દર્શાવી છેઃ વિજયભાઇ રૂપાણી * વડોદરાના વડસર લેન્ડફીલ સાઇટ ખાતે ઉછેરવામાં આવેલ શહેરી વનનું લોકાર્પણ

ગાંધીનગરઃ રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકાએ વડસર લેન્ડફીલ સાઇટ (ઘન કચરાનું સંગ્રહસ્થળ) ખાતે અંદાજે ૫૦ હજાર ચોરસમીટર જમીનમાં ઉછેરલા શહેરી વન સહ વૃક્ષ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે અટલાદરા STP ખાતે બીલ ગેટસ ફાઉન્ડેશન સાથે રૂા. ૩૫ કરોડના રોકાણના કરાર હેઠળ બનનારા લીકવીડ સ્લજ પ્લાન્ટ વિષયક અને છાણી એસટીપી ખાતેથી શુધ્ધ કરેલું મલીન જળ આઇઓસીએલને પૂરા પાડવા માટેના એમ.ઓ.યુ. મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. હાલમાં રાજયમાં સ્વચ્છ અને પ્લાસ્ટીક મુકત ગુજરાત સપ્તાહની ઉજવણી થઇ રહી છે તયારે આ કાર્યક્રમ દિશાદર્શક બની રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઘન કચરાના એકત્રીકરણના સ્થળોનો વાસ અને ગંદકીમુકત તેમજ હરિયાળા બનાવવાના પ્રયોગના રૂપમાં વડોદરા મહાનગરપાલિકાએ ૧૦૦ થી વધુ પ્રજાતિઓના ૧૨૬૬૩ જેટલા વૃક્ષોનું જેની કિંમત હાલના બજાર ભાવે રૂા. ૨૫૦ કરોડથી વધુ થાય એવી અંદાજે ૫૦ હજાર ચોરસમીટર જમીનમાં વાવેતર અને ઉછેર કર્યો છે. તેના પગલે એક સમયે જયાંથી પસાર થવામાં મુશ્કેલી પડે એવી જગ્યા હવે હરવા-ફરવા અને પર્યાવરણ શિક્ષણનું સ્થળ બની છે.

જયાં કચરો ઠલવાતો હતો ત્યાં હવે ગાર્ડન બન્યો છે એવો પ્રતિભાવ આપતાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આ પ્રયોગ દ્વારા વડોદરાએ વેસ્ટમાંથી બેસ્ટની વિચારધારાનું અનોખું વિસ્તરણ કર્યું છે. કચરાના ઢગલા પર બગીચાના ઉછેરથી વડોદરાએ રાજયના શહેરોને પર્યાવરણ રક્ષણ અને સ્વચ્છતાની નવી દિશા બતાવી છે. તેમણે આ અનુકરણીય પ્રયોગો માટે વડોદરા મહાનગરપાલિકાના મેયરશ્રી, પદાધિકારીઓ અને તંત્રવાહકોને અભિનંદન આપવાની સાથે જણાવ્યું હતું કે, ગુજરાતને પાણીદાર બનાવવા, પાણીના ટીપેટીપાંની બચત માટેના અભિયાનમાં પણ વડોદરાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ ગુજરાત સરકારે ગંદા પાણીના શુદ્ધિકરણ અને પુર્નવપરાશ (રીસાયકલ અને રીયુઝ)ની પોલીસી જાહેર કરી છે. વડોદરા મહાનગરપાલિકાએ એ ક્ષેત્રમાં પણ બીલ ગેટસ ફાઉન્ડેશન અને આઇ.ઓ.સી.એલ. ઓ.એન.જી.સી. સાથે મલીન જળને શુધ્ધ કરવા માટેનો પ્લાન્ટ સ્થાપવા, શુધ્ધ કરેલા પાણીનો ઔદ્યોગિક ઉપયોગ કરવા અને આ પ્રક્રિયામાંથી એનર્જી પેદા કરવાના જે કરારો કર્યા છે એ રાજયમાં પહેલરૂપ છે. તેમણે વડોદરા મહાનગરપાલિકાના આ તમામ પ્રકલ્પોને પર્યાવરણ રક્ષણમાં મહત્વના કદમો તરીકે બિરદાવ્યાં હતા.

નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, અમે હાલમાં ચિંતન શિબિરમાં સ્વચ્છ અને સુંદર,  પર્યાવરણ અને લોક આરોગ્યનું રક્ષક ગુજરાતનું ચિંતન કરી રહ્યાછે, એને વડોદરાએ અમલમાં મૂકી દીધું છે. સોલીડ-લીકવીડ વેસ્ટના નિયંત્રણ, શુધ્ધિકરણ, વપરાશ અને ઉકરડા પર વન ઉછેરની વડોદરાની પહેલ સમગ્ર રાજય માટે દિશાદર્શક બની રહેશે. તેમણે આ પહેલ માટે સહુ સંબંધિતોને અભિનંદન આપ્યા હતા.

વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા મહાનગરપાલિકાને મળનારા નવા પદાધિકારીઓને અગ્રીમ અભિનંદન પાઠવ્યા હતા.

મેયર શ્રી ભરતભાઇ ડાંગરે પર્યાવરણ રક્ષણની આ પહેલ અંગે ગર્વની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, જયાંથી પસાર થતી વખતે નાક પર રૂમાલ રાખવો પડતો હતો એ સ્થળ આજે વડોદરાનું ‘નાક’ (પ્રતિષ્ઠાનું સ્થળ) બન્યું છે.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી રંજનબેન, ધારાસભ્યશ્રીઓ સર્વ શ્રી જીતુભાઇ સુખડિયા, મનીષાબહેન વકીલ, સીમાબહેન મોહિલે, આઇઓસીએલના ડાયરેકટર પરિન્દુ ભગત, શ્રી લાખાવાળા અને નારાયણભાઇ પટેલ સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, નગર સેવકો, સહયોગી સંસ્થા બીલ ગેટસ ફાઉન્ડેશન, આઇઓસીએલ, ઓએનજીસીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

(5:10 pm IST)