Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

ભીમ અગીયારસના પૂર્વ દિને ૨૨ જુને આદ્રા નક્ષત્ર બેસે છે, ધોધમાર વરસાદના યોગ

રાજકોટ, તા. ૯ :. ગુજરાતવાસીઓ અને ખાસ કરીને જગતના તાત જેની રાહ જોઈ રહ્યા છે તે મેઘસવારી નજીકમાં દેખાય છે. ભીમ અગિયારસ ૨૩ જૂને છે. તેના આગલા દિવસથી આદ્રા નક્ષત્ર બેસે છે. હવામાન ખાતાના વર્તારા મુજબ હવે પછી એકદમ નજીકના ભવિષ્યમાં વરસાદ પડી શકે છે પરંતુ શાસ્ત્રોકત દ્રષ્ટિએ ધોધમાર વરસાદ ભીમ અગિયારસના અરસાથી શરૂ થશે. તે પૂર્વે સામાન્ય વરસાદ થઈ શકે છે. વૈજ્ઞાનિક તારણ સારા વર્ષનુ છે તે રીતે શાસ્ત્રોકત સંકેત પણ આશાસ્પદ છે.

શાસ્ત્રોકત જાણકારોના કહેવા મુજબ ૨૩ જૂને ભીમ અગિયારસ છે. તે નિર્જળા એકાદશી તરીકે પણ ઓળખાય છે. તેના પૂર્વ દિને તા. ૨૨મીના બપોરે ૧૧.૧૨ વાગ્યાથી આદ્રા નક્ષત્ર બેસે છે. ૧૫ દિવસના આ નક્ષત્રના સમયમાં ધીંગા વરસાદના યોગ છે. આદ્રા નક્ષત્ર પુરૂ થયા બાદ પછીના ૧૫ દિવસ પુનર્વસુ નક્ષત્ર આવે છે. તેમા પણ ધોધમાર વરસાદ પડી શકે છે. એક મહિનાનો આ સમયગાળો અસીમ મેઘકૃપાનો સંકેત આપે છે. જોરદાર વરસાદના કારણે ભીમ અગિયારસ પછી વાવણીની મોસમ ખીલશે. એકંદરે સારૂ વર્ષ દેખાય છે.(૨-૧૯)

(6:15 pm IST)