Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

રાજ્યની ટાઉન પ્લાનીંગ કચેરીઓની પુનઃરચના : ૪૧ કચેરી ૯માં કેન્દ્રીત થઈ

શહેર વિકાસ અને શહેર ગૃહનિર્માણ વિભાગના નિર્ણયથી અરજદારોના કામો ટલ્લે ચડશે અને અધિકારીઓ ઉપર કામનું ભારણ વધશે * કાર્યદક્ષ અધિકારીની અવગણના * રાજકોટમાં ૫ની જગ્યાએ ૧ કચેરી કાર્યરત થશે

રાજકોટ, તા. ૯ : લોકોને ઝડપી અને અસરકારક સેવા મળે તે માટે ગુજરાત સરકાર ક્રમશઃ ખાતાકીય ફેરફારો માળખાગત કરે છે. તાજેતરમાં ગુજરાત સરકારનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા કચેરીઓનું પુનર્ગઠન કરવાનો નિર્ણય થયો છે.

જાણવા મળતી વિગતો મુજબ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નવા સચિવાલય ગાંધીનગર દ્વારા ૧-૬-૨૦૧૮ના પરિપત્રથી ગુજરાતની ટાઉનપ્લાનીંગ ઓફીસનું પુર્નગઠન કરવા અને નગરરચના અધિકારીની નિમણુંક કરતો પરિપત્ર જાહેર કર્યો છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ૨૫-૫-૨૦૧૮ના ઠરાવ ક્રમાંક ટીપીવી ૧૦૨૦૧૮-એસએફ-૧૦૦-વથી નગર આયોજન અને મૂલ્યાંકન ખાતાની અમદાવાદના એકમ ૧ થી ૧૭, વડોદરાના એકમ ૧થી ૪, સુરતના એકમ ૧થી ૧૧ અને રાજકોટના એકમ ૧ થી ૫, ગાંધીનગરના ગુડા એકમ ૧ થી ૨ અને ભાવનગરના એકમ ૧ થી ૨નું પુર્નગઠન કરી ૪૧ કચેરીઓનું સમગ્ર ગુજરાત રાજયમાં ૯ નવી કચેરીઓ પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

૪૧ ગુજરાત રાજયની મહાનગરપાલિકાઓ માટેની ૪૧ કચેરીઓનું ૯ કચેરીમાં કેન્દ્રીકરણ થતાં તેઓ માટેની નગરરચના અધિકારીની નિમણુંક પણ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા સત્તાનું એકત્રીકરણ કરવાના આ પગલાને પગલે અરજદારો અને અધિકારીઓ માટે ખૂબ કપરા ચઢાણ સાબિત થશે. વિકેન્દ્રીકરણ સત્તામાં અરજદારોની અરજીનો નિકાલ ઝડપથી થતો કારણ કે ત્યાં અધિકારી સુનિશ્ચિત વિસ્તાર માટે સત્તારૂઢ હતા. જયારે હવે આખા શહેરીના વિવિધ એકમો માટે માત્ર એક જ ઓફીસમાં અને તે પણ અધિકારીઓ માટે જવાબદારી વધુ સોંપવાની શકયતા પણ બળવતર છે ત્યારે અધિકારીઓ કામના ભારણ તળે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા થનારી કામગીરીમાં અરજદારોની કામગીરીમાં ખૂબ વિલંબ થશે અને ધક્કા પણ વધશે. અધિકારીઓ પણ કામના બોજા તળે ફરજ બજાવવાની ફરજ પડે તો નવાઈ નહિં કારણ કે જે પાંચ કચેરી કામ કરતી હતી તે હવે એક જ કચેરીમાં કામ કરવાની જોગવાઈ થતાં સરકારી કામ અને નગરરચના ખોરંભે પડવાની પૂરી શકયતા પ્રવર્તે છે.

દરમિયાન અધિકારીઓમાં પણ પોતાની સીનીયોરીટીમાં પણ અવગણના થવાની શકયતાને પગલે ભારે કચવાટ અનુભવે છે.

(2:48 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપ-રાજ્યપાલ સાથે મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા માટે સમય માંગ્યો છે. આનાથી પહેલા કેજરીવાલે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઈ) અને એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ દિલ્હી પાણી પુરવઠા બોર્ડની ફાઈલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. તેમને ટ્વિટર પર કહ્યું, કોઈ એક વિષય પર તપાસ થઈ રહી નથી, કેમ કે હાલમાં મારી પાસે તે મંત્રાલયની જવાબદારી છે તો તેઓ કોશિશ કરી રહ્યાં છે કે, ગમે તે રીતે મને ફસાવી દેવામાં આવે. અરવિંદ કેજરીવાલે સરકાર પર ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, પીએમ, એલજી અને બીજેપી- જો તમારી પાસે કોઈ વિશેષ જાણકારી છે તો જરૂર તપાસ કરો પરંતુ દિલ્હી સરકારના બધા વિભાગોને પેરાલાઈઝ કરીને દિલ્હીના લોકોને પીડા ના આપો. access_time 2:37 am IST

  • ઉત્તરપ્રદેશનાં 11 જિલ્લામાં તોફાનનાં કારણે 26 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 4 જાનવરોનાં પણ મોત નિપજ્યા છે. મુખ્યમંત્રી યોગીઆદિત્યનાથે સંબંધિત જિલ્લા મેજીસ્ટ્રેટોને પ્રભાવિત લોકોને રાહત આપવા માટેનાં નિર્દેશ આપ્યા છે. શનિવારે મુંબઇનાં કેટલાક હિસ્સાઓમાં ભારે વરસાદ થયો હતો જેનાં કારણે માયાનગરીની ગતિ અટકી ગઇ હતી. શહેરનાં કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઇ ગયું હતું. મુંબઇ નજીકના ઠાણેમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 2 લોકોનાં મોત નિપજ્યા હોવાની માહિતી હતી. access_time 2:39 am IST