Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

અને સફાઈ કરતા 20 વર્ષના છોકરાનો અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઉજવાયો જન્મદિવસ

નવરંગપુરા પોલીસે પર્યાવરણની સુરક્ષા માટેનો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો

અમદાવાદઃનવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એક સફાઈ કરતા 20 વર્ષના છોકરાનો જન્મદિવસ ઉજવાયો હતો જેમાં કોન્સ્ટેબલથી લઈને ઈન્સ્પેક્ટર સુધી સૌ પોલીસ કર્મચારીઓએ કેક કાપીને સફાઈ કામ કરતા એક 20 વર્ષીય છોકરાનો જન્મદિવસ ઉજવ્યો હતો તેમજ પર્યાવરણની જાગૃતતા માટે પોલીસે છોડવા રોપ્યા હતા.

 નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સફાઈ કામ કરતા કમલેશ વાઘેલા કાલે 20 વર્ષનો થયો. ત્યારે કલમેશે પોતાની પહેલી બર્થડે પાર્ટી પોલીસ સ્ટેશનમાં ઉજવી હતી.

પોલીસ સ્ટાફે કેક કાપી કમલેશના જન્મદિવસની ઉજવણી કરી હતી. સૌથી પહેલાં કમલેશ વાઘેલાએ કેક કાપીને તમામ પોલીસ અધિકારીઓને ખવડાવી હતી બાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં પોલીસે છોડવા રોપ્યા હતા.

  નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અભિજીતસિંહ પરમારે કહ્યું કે, ‘વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનના રોજ અમે છોડવા રોપવાનું વિચાર્યું હતું, પણ બાદમાં ખબર પડી કે 7 જૂને કમલેશનો બર્થ ડે છે જેથી અમે અલગ જ રીતે કમલેશના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું.’

  વધુમાં અભિજીતસિંહ પરમારે કહ્યું કે, “એક રીતે અમે મેસેજ આપ્યો કે લોકો ગમે તે કામ કેમ ન કરતા હોય પણ બધા સમાન જ છે અને બીજી રીતે પર્યાવરણની સુરક્ષા માટેનો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો.”

  ઈન્સ્પેક્ટર અભિજીતસિંહ પરમારે જણાવ્યા મુજબ નવરંગપુરા પોલીસે પોલીસ સ્ટેશનમાં 25 જેટલા રોપા વાવ્યા છે. 70 જેટલા પોલીસ કર્મચારીઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.

શાહપુરમાં રહેતા કમલેશ વાઘેલાએ કહ્યું કે, “મને આટલી મોટી ગિફ્ટ મળશે તે મેં વિચાર્યું પણ ન હતું. અગાઉ મારા બર્થડે પર આવી ઉજવણી ક્યારેય નહોતી કરાઈ.” કમલેશ વાઘેલા છેલ્લા 2 વર્ષથી નવરંગપુર પોલીસ સ્ટેશનમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો.

(2:43 pm IST)