Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

એક અબજની સંપત્તિ પુરવાર થશે તો કે.એસ. દેત્રોજાને ૭ વર્ષની કેદ અને તેની પાસેની મિલ્કતના ૨૫ ટકા દંડ ભરવો પડશેઃ કેશવ કુમાર

જમીન વિકાસ નિગમના પૂર્વ એમડીની અ-ધ-ધ સંપત્તિ મામલામાં કેન્દ્રના નવા કાયદા મુજબ ગુન્હો નોંધવા ઈન્કમટેક્ષને એસીબી રીપોર્ટથી સન્નાટો

રાજકોટ, તા. ૯ :. જેમની બેનામી સંપત્તિનો આંક એક અબજને આંબી ગયાનું એસીબી સૂત્રોનો અંદાજ છે. તેવા ગુજરાતના જમીન વિકાસ નિગમના પૂર્વ એમ.ડી. કે.એસ. દેત્રોજા સામે નોટબંધી બાદ કેન્દ્રના જે કાયદામાં સુધારા કરાયા છે તેવા બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરવા એસીબી વડા કેશવ કુમાર દ્વારા ઈન્કમટેક્ષના ટોચના અધિકારીઓને રીપોર્ટ આપતા સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ તથા નિગમોના ટોચના ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ મચી ગયો છે.

નોટબંધી બાદ કેન્દ્ર સરકારે બેનામી ટ્રાન્ઝેકશન એકટ-૧૯૮૮ના આ કાયદામાં અર્થાત બેનામી સંપત્તિના કેસમાં પુરાવા મળ્યે સંબંધક આરોપીઓને ૭ વર્ષની સજાની જોગવાઈ હોવાનું એસીબી વડા કેશવ કુમારે અકિલા સાથેની વાતચીતમાં કાયદામાં થયેલા સુધારા અંગે રસપ્રદ અને ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યુ હતું. તેઓએ વિશેષમાં જણાવેલ કે, મોટા ભ્રષ્ટાચારીઓ પાસેથી બેનામી સંપત્તિ હોવાનું પુરવાર થાય તો ૭ વર્ષની સજા ઉપરાંત તેની મિલ્કતના ૨૫ ટકા જેટલા દંડની જોગવાઈ કેન્દ્રના બેનામી ટ્રાન્ઝેકશન એકટ-૧૯૮૮ના કાયદામાં નોટબંધી બાદ થયેલા સુધારામાં જોગવાઈ હોવાનું જણાવેલ. આ કાયદામાં ઓછામાં ઓછી એક વર્ષની સજા છે.

અત્રે યાદ રહે કે, સીબીઆઈનો બ્હોળો અનુભવ ધરાવતા એસીબીના નિયામક કેશવ કુમારે ગુજરાત એસીબીના તમામ અધિકારીઓને કેન્દ્રના કાયદામાં થયેલ સુધારાની ખૂબ સારી રીતે સમજી શકાય તેવી સરળ ભાષામાં માહિતી મળે તે માટે ગુજરાતમાં ઈન્કમટેક્ષના ટોચના તજજ્ઞોને તેડાવી વિશેષ તાલીમ વર્કશોપ પણ યોજવામાં આવેલ. જેના પગલે હવે મોટા ભ્રષ્ટાચારીઓ સામે કયારે - કઈ રીતે ગુન્હા દાખલ કરવા ? તેની પુરી સમજણ મળી ગઈ છે.

અત્રે યાદ રહે કે, કે.એસ.દેત્રોજા પાસે મોરબીમાં ૬૪ ગુંઠાથી વધુ જમીનમાં અદ્યતન ફાર્મ હાઉસ  છે. આ ફાર્મ હાઉસને મનમોહક બનાવવા માટે ૬૪ લાખ રૂપીયા ખર્ચાયાનું પણ ચર્ચાઇ રહયું છે.

સુત્રોના કથન મુજબ વિશેષમાં એવુ પણ બહાર આવ્યુ છે કે, કે.એસ.દેત્રોજા પાસે મોરબી પંથકમાં ર૯ વિઘા જેટલી ખેતીલાયક જમીન અને મોરબીમાં વિશાળ બંગલો તથા માળીયા મિંયાણા (અમદાવાદ-કચ્છ હાઇવે) પર અદ્યતન હોટલ, ઉંઝામાં હોટલ, ધ્રાંગધ્રામાં ખેતીલાયક જમીન અને મોરબીમાં બીજા ૪ પ્લોટ અને વડોદરા-ગાંધીનગર વિ. શહેરોમાં ફલેટો, જમીનોનો સમાવેશ છે.

અત્રે યાદ રહે કે, કે.એસ. દેત્રોજા પાસે સાડા છ લાખની એક હ્યુન્ડાઈ કાર હતી, જે બીજાના નામે હતી. એસીબીએ જેના નામે આ કાર હતી તેને પૂછપરછ કરતા આ કાર  ફકત પોતાના નામે જ છે, આ કારની રકમ કે.એસ. દેત્રોજાએ ચુકવી છે. આમ બેનામી સંપત્તિ હોવાનું આ રીતે પુરવાર થયેલ. આમ કે.એસ. દેત્રોજા સામેના નામલામાં આ કાર ટર્નીંગ પોઈન્ટ સાબિત થઈ.

કેન્દ્રના નોટબંધી બાદનો બેનામી સંપત્તિના એકટમાં સુધારોઃ મોટા ભ્રષ્ટાચારીઓ માટે લાલબત્તી રૂપ

એસીબી વડા કેશવ કુમારે અકિલા સાથેની વાતચીતમાં ચોંકાવનારી વિગતો વર્ણવી

રાજકોટઃ નોટબંધી બાદ ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેન્દ્રના અધિનિયમમાં થયેલા સુધારા મુજબ ગુન્હો દાખલ કરવા એસીબી દ્વારા ઈન્કમટેક્ષને રીપોર્ટ થયો છે જે મોટા ભ્રષ્ટાચારીઓ માટે લાલબત્તી રૂપ છે. આ કાયદાનો અમલ કરવા માટે એસીબીના જવાબદાર અધિકારીઓને ઈન્કમટેક્ષના તજજ્ઞો મારફત તાલીમબદ્ધ કરાયા છે. સીબીઆઈનો બહોળો અનુભવ ધરાવતા એસીબી વડા કેશવ કુમાર કહે છે કે, આના કારણે મોટા મગરમચ્છો ઉપર જરૂરથી બ્રેક લાગી જશે.

મોટા માથાઓને સકંજામાં લેવામાં નવસારી એસીબી પી.આઈ. સી.એમ. જાડેજાની હેટ્રીક

રાજકોટઃ મૂળ મોરબીના વતની અને જેની કર્મભૂમિ રાજકોટ રહી છે તેવા મૂળ કાઠીયાવાડના અને હાલ નવસારી એસીબી પી.આઈ. તરીકે ફરજ બજાવતા સી.એમ. જાડેજાએ આ અગાઉ એક મહિલા કોર્પોરેટર અને તેના પતિ તથા બીજા અન્ય એક મોટા માથાને ઝડપવા સાથે ગઈકાલે એસ.ટી. ડેપો મેનેજર કક્ષાના અધિકારીને લાંચ લેતા ઝડપી મોટા માથાઓને હિંમતપૂર્વક ઝડપવામાં હેટ્રીક નોંધાવી છે.

(12:46 pm IST)
  • અમદાવાદમાં કાલથી હળવા વરસાદની આગાહી: અમદાવાદવાસીઓ પણ અસહય બફારા ઉકળાટથી ત્રસ્ત છેઃ ત્યારે તેઓ માટે થોડા રાહતના સમાચાર છેઃ આવતીકાલથી અમદાવાદમાં હળવા વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે access_time 11:27 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • એક સેટમાં પાછળ રહ્યાં બાદ રોમાનિયાની સિમોના હાલેપે શાનદાર કમબેક કરતા સ્લોએને સ્ટીફન્સને ફ્રેન્ચ ઑપનની ફાઈનલમાં હરાવી પહેલું ગ્રાન્ડસ્લેમ પોતાના નામે કર્યું. દુનિયાની નંબર 1 ખેલાડી હાલેપે બે કલાક અને ત્રણ મિનિટ ચાલેલી આ મેચમાં 3-6, 6-4, 6-1થી જીત મેળવી. અગાઉ હાલેપ ત્રણ ગ્રાન્ડસ્લેમ ફાઈનલમાં હારી ચૂકી છે જેમાં બે વખત રોલેન્ડ ગેરો પર મળેલી હાર પણ શામેલ છે. access_time 2:38 am IST