Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કરોડોના ક્રિકેટ સટ્ટામાં જેનું નામ ખૂલ્યું તે હરેશ ચૌધરીની પત્નિ પૂનમ અમદાવાદ એરપોર્ટથી ઝડપાઇ

સ્ટારની વેબસાઇટ હેક કરી ૮ સેકન્ડ વ્હેલા 'લાઇવ' જોઇ કરોડો - અરબોનો સટ્ટો રમનાર ઇન્દોરથી ઝડપાયા પછી કડાકા - ભડાકાઃ ઉ.ગુ.ના અનેક બુકીઓના નામ ખુલવાની વકી : હરેશ ચૌધરી કચ્છનો બુકી કમલેશ ઠક્કરનો પંટર હતો : દાઉદ, છોટા શકીલનું નામ ખુલવાની વકી : મહેસાણા, ઊંઝા, પાટણના બુકીઓની પણ સંડોવણીઃ હરેશ વિદેશ ગયાનું પરિવારે સ્વીકાર્યું

મહેસાણા તા. ૯ : મધ્યપ્રદેશના ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડીયામમાં તા.૧૨, ૧૪ મેના રોજ આઈપીએલની મેચ રમાઈ હતી. આ મેચમાં સ્ટાર ટીવીની વેબસાઈટ હેક કરી લાઈવ મેચ કરતા આઠ સેકન્ડ વહેલું પ્રસારણ જોઈ ક્રિકેટનો સટ્ટો રમતો ઈન્દોરનો બુકી અંકિત ઈન્દોર ખાતેથી ઝડપાયો હતો. તેની પાસેથી પોલીસને ત્રણથી ચાર નામ મળ્યા હતા જેમાં રાધનપુરનો હરેશ ચૌધરી અને તેની પત્નિ પૂનમનું નામ ખુલ્યા બાદ કરોડોના બેનામી વ્યવહાર ઝડપાયા હતા.

આ હરેશે જ વેબસાઈટ હેક કરી કરોડોની કમાણી કરી હતી. ઉપરાંત તેની પત્નિના એકાઉન્ટથી કરોડો રૂપિયા ટ્રાન્સફર થતા તપાસ માટે ઈન્દોર પોલીસે ગુજરાતમાં ધામા નાખ્યા હતા. જેમાં આજે અમદાવાદ એરપોર્ટ પરથી હરેશ ચૌધરીની પત્નિ પૂનમ ચૌધરી ઉર્ફે પુનમ પ્રજાપતિની ઈન્દોર પોલીસે ધરપકડ કરી છે. જોકે મુખ્ય સુત્રધાર હજુ પોલીસ પકડથી ઘણો દૂર છે. ઈન્દોર તેમજ ગુજરાત પોલીસના અત્યંત આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ઈન્દોરમાં ગત તા.૧૨ અને ૧૪ મેના રોજ આઈપીએલની મેચ રમાઈ હતી.

જેમાં વેબસાઈટ હેક કરી સટ્ટો રમાતો હતો તેવી બાતમી ઈન્દોર પોલીસની સાયબર ક્રાઈમને મળી હતી. તે બાતમી પરથી પોલીસે છાપો મારી અંકિત જૈન નામના મુખ્ય સુત્રધારની ધરપકડ કરી હતી. તેની પાસેથી ગુજરાતના રાધનપુરના હરેશ ચૌધરી અને તેની પત્નિ પુનમ ચૌધરીનું નામ ખુલ્યું હતું. આ નામ ખુલતા જ ઈન્દોર સાયબર પોલીસની એક ટીમ રાધનપુર ખાતે ધામા નાખી હરેશના ઘરે રેડ કરી હતી. હરેશના મોબાઈલને લોકેશન તેને ઘર બતાવતું હોવાથી પોલીસને શંકા હતી કે હરેશ તેના ઘરેથી ઝડપાઈ જશે પણ સોફટવેર ઈજનેર હરેશ વિદેશ ભાગી ગયાનું ઘરેથી જાણ થઈ હતી. તેની સાથે પૂનમ પણ વિદેશ હોય તેવું હરેશના પિતાએ જણાવ્યું હતું. પણ ઈન્દોર પોલીસને બાતમી મળી હતી કે પૂનમ હજુ વિદેશ ગઈ નથી. ટુંક સમયમાં અમદાવાદથી ભાગી જવાની છે. જેથી ઈન્દોર પોલીસ અમદાવાદ સહિતના એરપોર્ટ ઉપર વોચમાં હતી. ત્યારે આજે સવારે પુનમ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાઈ ગઈ હતી. પુનમના પકડાયા બાદ અનેક રહસ્યો પરથી પડદો ખુલશે તેવી પોલીસને આશા છે.

અમદાવાદના નિરમા યુનિ.માંથી સોફટવેર ઈજનેરનો અભ્યાસ કરનાર હરેશ ચૌધરી ટેકનીકલી ઘણો જ હોશિયાર છે. તેણે પોતાનો મોબાઈલ સ્નેકીંગ ઝોનમાં રાખ્યો છે. જેથી દુનિયાના ગમે તે ખૂણાથી પોતે કોલ કરે તેનું લોકેશન રાધનપુર જ બતાવે છે. ઈન્દોર પોલીસ પણ આરોપીની હોશિયારીથી ચોંકી ગઈ હતી.

રાધનપુર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હરેશ ચૌધરી કચ્છનો બુકી કમલેશ ઠક્કરનો પંટર હતો. શરૂઆતના દિવસોમાં કમલેશની ઓફીસે બેસી સટ્ટો રમાડતો હતો.

રાધનપુર પોલીસના ફોજદારે જણાવ્યું કે આ ખૂબ જ મોટો અને અલગ સટ્ટો છે. જેમાં આખી વેબસાઈટ હેક કરી સટ્ટો રમાઈ રહ્યો છે. આ સટ્ટાખોરીમાં દાઉદ અને છોટા શકીલ જેવાને નામ પણ ખૂલશે તેવી વકી છે.

આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં મહેસાણા, ઊંઝા અને પાટણના બુકીઓની પણ સંડોવણી હોવાની પોલીસને શંકા છે. હરેશ ચૌધરી સાથે સંપર્કો ધરાવતા બધા બુકીઓની પૂછપરછ ઈન્દોર પોલીસ કરવાની છે.

આરોપી ટેકનીકલી ઘણો જ સાઉન્ડ છે. તેણે અમદાવાદથી ખાનગી કોલેજમાંથી સોફટવેર એન્જીનીરીંગ કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

આરોપી હરેશ ચૌધરી દુબઈ ગયાનું પરિવારે પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું. હરેશની પત્નિ પણ વિદેશ હોવાની બાતમી હતી પણ તે અમદાવાદથી પકડાઈ જતા હરેશ પણ ભારત હોવાની શકયતા છે.(૨૧.૬)

(5:10 pm IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • સીરિયાના બળવાખોર કબ્જાગ્રસ્ત ઇદ્લીબ પ્રાંતના એક ગામ પર રશિયાએ ફરી કર્યા ઘાતક હવાઈ હુમલાઓ : ૬ બાળકો સહિત લગભગ ૪૪ લોકોના મોત થયાનું બહાર આવ્યું : જોકે રશિયાએ આ વાતનો રદિયો આપતાં કહ્યું છે કે તેમણે આ હુમલાઓ નથી કર્યા access_time 12:37 pm IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST