Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનાને લગતી દવા, ઇન્જેકશનના ભાવમાં 140થી 188 ટકાનો કમરતોડ વધારો : કોંગ્રેસ

મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફ

ગાંધીનગર: વૈશ્વિક મહામારી કોરોનાનાં કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબજ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત સામે સંઘર્ષ કરી રહેલા સમગ્ર ગુજરાતમાં ખુબ જ ભયજનક સ્થિતિ પેદા કરી છે.

આફતને આર્થિક ફાયદાનાં અવસરમાં રૂપાંતરિત કરવા દવાઓ, ઇન્જેક્શનના કાળાબજાર અને સંગ્રહખોરીને રોકાવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યપ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં સંક્રમિત થતા લોકો માટે આપવામાં આવતી દવાઓનાં ભાવમાં પણ અસહ્ય વધારો જોવા મળ્યો છે. તાવ, ઉધરસ અને શરદી માટેની પેરાસીટામોલમાં 140 ટકા જેટલો ભાવ વધારો, તે જ રીતે ઇજિથરોમાયસીન પણ 7300 પ્રતિ કિલોથી વધીને 10,000 પ્રતિ કિલો સુધીનો ભાવ વધારો થયો છે.

જ્યારે કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગી દવા આઈવરમેકર્ટિનનો ભાવ 188 ટકાનો વધારો કરી પ્રતિ કિલો 52,000નાં ભાવે વેચાઈ રહી છે આ તમામ ભાવ વધારો છેલ્લા ચાર માસમાં થયો છે. દવામાં વધી રહેલા બેફામ ભાવ વધારા છતાં ભાજપ સરકાર દિશા વિહીન છે અને ફૂડ અને ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર બન્યું છે.

(11:12 pm IST)