Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

રાજ્યમાં હવે ઓક્સિમીટરની કિંમત આસમાને પહોંચી ગઈ

કોરોનામાં પણ લોકો માનવતા ભુલી ચુક્યા : ઓક્સીમીટર ૭૦૦થી ૮૦૦ રૂપિયામાં મળતું હતું તેના ભાવ વધીને હાલમાં રૂપિયા ૨૦૦૦એ સુધી પહોંચી ગયા

અમદાવાદ, તા. ૯ : કોરોના મહામારીના કપરા કાળમાં પણ ચારેતરફ લૂંટ ચાલી રહી છે. એક તરફ એવા લોકો છે જે સેવાકાર્યમાં દિવસરાત ભૂલીને મદદ કરી રહ્યાં છે. તો બીજી તરફ, એવા પણ લોકો છે, જેઓ મરણપથારીએ પડેલા માણસને પણ લૂંટી લે છે. કોરોનાની સારવાર માટે જરૂરી મેડિકલ સાધનોની રીતસરની લૂંટ શરૂ થઈ ગઈ છે. કોરોનાની આ લહેરમાં ઓક્સીમીટરના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લાં દોઢ મહિનામાં ઓક્સીમીટરના ભાવ બમણા કરતા પણ વધી ગયા છે.

જે ઓક્સીમીટર થોડા સમય પહેલા ૭૦૦ થી ૮૦૦ રૂપિયામાં મળતું હતું. તેના ભાવ વધીને હાલ રૂપિયા ૨૦૦૦ એ પહોંચ્યા છે. આ ભાવ વધારા પાછળનું કારણ છે ડિમાન્ડ. માર્કેટમાં ડિમાન્ડ વધી છે અને બીજી તરફ ઓક્સીમીટરનું ઉત્પાદન ઓછું છે. કોરોનાની આ સ્થિતિમાં લોકો ઘરે ઘરે ઓક્સીમીટર વસાવી રહ્યા છે. આ જ કારણ છે કે ડિમાન્ડ અને સપ્લાયમાં મોટો ગેપ વધી રહ્યો છે.

કોરોનાકાળમાં ઘરે સારવાર કરાવતા દરમિયાન ઓક્સીમીટરની જરૂરિયાત હોય છે. દર્દીએ સતત પોતાનું ઓક્સીજન લેવલ માપવાનું હોય છે. એક તરફ, જ્યાં ઓક્સીમીટરના મોંઘા ભાવ વસૂલાઈ રહ્યાં છે, ત્યાં બીજી તરફ માર્કેટમાં સસ્તા ઓક્સીમીટરના નામે નકલી ઓક્સીમીટર પધરાવવામાં આવે છે. જેમાં ઘરે આવ્યા બાદ આંકડા પણ બતાવાતા નથી. ત્યારે આવા સસ્તા અને નકલી ઓક્સીમીટરથી ચેતવાની જરૂર છે. કોરોના મહામારીમાં લગભગ દરેક મેડિકલ સુવિધા માટે વધુ રૂપિયા ચૂકવવા પડી રહ્યાં છે. ૫૦૦ વાળું ઓક્સીમીટર ૧૨૦૦-૧૫૦૦માં, ૧૨૦૦ વાળું રેમડેસિવિર ૨૦,૦૦૦ રૂપિયામાં, ઓક્સિજન સિલિન્ડરમાં કાળાબજારી, ઓક્સિજન ફ્લોમીટરમાં લૂંટ, અન્ય મેડિકલ સાધનોમાં લૂંટ, પ્રાઇવેટ હોસ્પિટલમાં લૂંટ... ત્યારે આ બધુ ક્યારેય જઈને અટકશે.

(9:51 pm IST)