Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વડોદરા : પિતાનું અવસાન અને માતા કોરોનાની સારવારમાં:રમજાનના ઉપવાસ છતાં 108ની ફરજ પર ઇફ્તેખાર હાજર

108 ની ફરજો દ્વારા કોઈનું જીવન બચાવીને જ એમને સાચી અંજલિ આપી શકાય અને એમના સંસ્કારો દીપાવી શકાય

વડોદરા :ઇફતેખાર ખલિવાલા વડોદરા 108 સેવા સાથે સંકળાયેલા એક પાયલોટ છે. જેમને વર્તમાન કટોકટીમાં ફરજ માટેની તત્પરતાનું ઉજળું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
તાજેતરમાં તેમના 85 વર્ષના પિતાનો કોરોનાથી ઇન્તેકાલ થયો. તેની સાથે જ પિતાની દેખભાળ દરમિયાન માતા પણ કોરોનાપિડીત થયા. ઉપરથી પવિત્ર રમઝાન માસ ના ઉપવાસ(રોઝા),વિપરીત સંજોગોના આ સરવાળા વચ્ચે ફરજનો સાદ સાંભળી તેઓ તુરત જ નોકરી પર પાછા જોડાઈ ગયા.

તેઓ કહે છે કે મારા પિતાજી નિવૃત્ત પોસ્ટ માસ્ટર હતા જેમણે અમને નેકી અને ઈમાન કોઈપણ ભોગે સાચવવાના સંસ્કાર આપ્યા હતા.તેઓ કોરોનાને લીધે તાજેતરમાં અવસાન પામ્યા.મારા અને પરિવાર માટે આઘાતજનક ઘટના હતી.બીજી તરફ મારા માતા કોરોના સંક્રમિત થઈ ને સારવાર હેઠળ હતાં.

પિતાજીની દફનવિધિ અને અન્ય મરણોત્તર વિધિઓ માટે હું રજા પર હતો.પરંતુ પિતાજીના અવસાન ના બે દિવસ થયાં ત્યાંજ મેનેજર નિલેશભાઈનો ફોન આવ્યો. તેમણે વિનંતી તરીકે ભાઈ કોઈ પણ સંજોગોમાં નોકરી પર પરત આવી જાવ,108 સેવા માટે કોલ પર કોલ આવી રહ્યાં છે.કોરોના પીડિત માતાને દવાખાને દાખલ કરીને હું તુરત જ ફરજ પર પાછો જોડાઈ ગયો.

મેં વિચાર્યું કે અવસાન પામેલા પિતાજી પાછા આવવાના નથી.ત્યારે 108 ની ફરજો દ્વારા કોઈનું જીવન બચાવી ને જ એમને સાચી અંજલિ આપી શકાય અને એમના સંસ્કારો દીપાવી શકાય.
તેઓ રમજાનના રોજેદાર પણ છે તેમ છતાં,નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી રહ્યાં છે એ વાતની નોંધ મેનેજર નિલેશભાઈ એ પણ લીધી છે.તેઓ જણાવે છે કે છેલ્લા દોઢ વર્ષ થી કોરોના એમ્બ્યુલન્સ પર ફરજ બજાવતા આ પાયલોટ સેંકડો દર્દીઓ ને દવાખાને પહોંચાડી ચૂક્યા છે.

અહીં એ નોંધવું ઘટે કે 108 ના પાયલોટ એટલે કે ચાલકે માત્ર વાહન ચલાવવાનું હોતું નથી.ફરજ પરના આરોગ્ય કર્મચારીની સાથે એમને પણ દર્દીઓને વ્હીલ ચેરમાં લેવા,ઉતારવા,અન્ય તબીબી કામોમાં સહાય કરવાની હોય છે. તેની સાથે ભીડભાડ ભર્યા રસ્તાઓ પર માનસિક સ્વસ્થતા જાળવી દર્દીને શક્ય તેટલી ઝડપ થી હોસ્પિટલ પહોંચાડવા ના હોય છે.

ઇફ્તેખારભાઈ કહે છે કે હું તો માત્ર અમારા કર્મયોગી સાથીદારોનો એક પ્રતિનિધિ છું.મારા તમામ સાથીઓ છેલ્લા લગભગ સવા વર્ષ થી,પોતાને અને પરિવારજનોને તકેદારી લઈને સુરક્ષિત રાખીને, સંજોગો પ્રતિકૂળ હોય તો પણ રાત દિવસ ફરજો બજાવી રહ્યાં છે. અસાધારણ આરોગ્ય આફતના આ સમયે તેમના જેવા 108 પરિવારના તમામ કર્મયોગીઓ સલામને પાત્ર છે.

(6:43 pm IST)