Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

કાળા બજારીયાઓ અને નફાખોરો દ્વારા સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા : સુરતના અમરોલી વિસ્તારમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનુ પકડાયું : બે શખ્‍સે ઝડપાયા

Photo : Surat senetize

સુરત: કોરોના મહામારીના કપરા કાળમાં કાળા બજારીયાઓ અને નફાખોરો દ્વારા સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના કિસ્સાઓ સતત પ્રકાશમાં આવતા રહે છે. નકલી રેમડેસિવિર ઈન્જેક્શન બાદ સુરત શહેરના અમરોલી વિસ્તારમાંથી નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનુ પકડાયું છે. પોલીસે નકલી સેનેટાઈઝર બનાવતા કારખાના પર દરોડો પાડીને નકલી સેનેટાઈઝર અને તેને તૈયાર કરવાની સામગ્રી સહિત કુલ 7.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે લોકોની ધરપકડ કરી છે.

આ અંગે પોલીસના જણાવ્યા મુજબ, આ કેસમાં પોલીસે શહેરના અશ્વિનીકુમાર રોડ પર સ્થિ ગોકુલ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર ભાલાળા અને પૂણાગામની અંજની સોસાયટીમા રહેતા નરેશ ડાભીની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીએ અમરોલીના મોટા વરાછા સ્થિત રંગવાડી ફાર્મ હાઉસમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું. જ્યાં મોટાપાયે નકલી સેનેટાઈઝર બનાવવામાં આવી રહ્યું હતું.

પોલીસે બાતમીના આધારે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી 1200 લીટર મિથાઈલ, 900 લીટર તૈયાર કરવામાં આવેલું નકલી સેનેટાઈઝર સહિત તેને તૈયાર કરવાની સામગ્રી જપ્ત કરી હતી.

આરોપીઓ બ્લૂ સ્કાય સેનેટાઈઝર અને કેરફૂલ હેન્ડ રબ બ્રાન્ડના નામથી નકલી સેનેટાઈઝર 5-5 લીટરના ડબ્બામાં જથ્થાબંધ ભાવે વેચતા હતા. તેઓ એક ડબ્બાના 130 રૂપિયા લેતા હતા. ડબ્બા પર બ્રાન્ડના નામ સાથે તેના સ્ટીકર પણ લગાવેલા હતા.

પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, તેઓ પ્રતિબંધિત મિથાઈલ અંકુર વેકરિયા પાસેથી ખરીદતા હતા. તેઓ નકલી સેનેટાઈઝર બનાવવાનું કારખાનુ કેટલા સમયથી ચલાવી રહ્યા હતા? અને કોને-કોને સપ્લાય કરતાં હતા? તે વિષે પોલીસે તપાસ આદરી છે.

(2:04 pm IST)