Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

વયોવૃદ્ધ દાદીને માત્ર બે દિવસમાં ચાલતા કરી દીધા

સુરતના તબીબોએ કહ્યું તે કરી બતાવ્યું: સ્મીમેર ઓર્થોપેડિક વિભાગની ટીમે ૩૫-૪૦ મિનિટમાં થાપાનું સફળ ઓપરેશન કરી દાદીને પગ પર ચાલતા કર્યા

સુરત,તા.૯: કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ બિમારી ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં પણ સ્મીમેર તંત્ર અગ્રેસર રહ્યું છે. ઓલપાડના વતની ૮૫ વર્ષીય વયોવૃદ્ધ ધનલક્ષ્મીબેન ચૌહાણના ડાબા પગના થાપાના ગોળાનું વિનામુલ્યે સફળ ઓપરેશન કરી સ્મીમેર હોસ્પિટલના હાડકા અને એનેસ્થેસિયા વિભાગે દાદીમાને હાલતાચાલતા કર્યા છે. ઓલપાડના પોલીસ સ્ટેશન નજીક આવેલ કરશનપરામાં રહેતા દાદીને પોતાના ઘરે પડી જવાથી ડાબા પગના થાપામાં ફ્રેક્ચર થયું હતું. જેથી થાપાના ગોળાનું રિપ્લેસમેન્ટ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો.જનક રાઠોડ અને તેમની ટીમના ડો. પાર્થ કિનખાબવાલા, ડો. વિરાજ બેક્નર તથા ડો. મલ્હાર ડામોરના સફળ પ્રયાસથી ૮૫ વર્ષના ધનલક્ષ્મીબા ડાબા પગના થાપાના ગોળાનું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ડો. પાર્થ કિનખાબવાલાએ જણાવ્યું કે, એક બાજુ દાદીની ઉંમર વધારે અને બીજું દાદીને બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શનની બિમારી પણ છે,

     આવા સંજોગોમાં સર્જરી કરવી ઘણી મુશ્કેલ બનતી હોય છે. તેમ છતા પણ એનેસ્થેસિયા વિભાગના તબીબોની ટીમ દ્વારા બે દિવસની સારવાર આપી સ્ટેબિલાઈઝ કર્યા બાદ ૨૭ એપ્રિલે દાદીના હીપ રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યું. દાદીની ઉંમર પણ વધું હોવાથી Osteoporosis હોય છે, એટલે આ ઉંમરે સ્વાભાવિકપણે તેમના હાડકા પણ પોલા થઈ ગયા હોય છે, અને હિપ રિપ્લેસમેન્ટમાં સિમેન્ટ ભરવી પડે છે, અને દાદીની ઉંમર વધુ હોવાથી તે વધું જોખમી હોય છે.  પરંતુ સ્મીમેર ઓર્થોપેડિક વિભાગની ટીમે માત્ર ૩૫થી ૪૦ મિનિટમાં થાપાનું સફળ ઓપરેશન કરી દાદીને બીજા જ દિવસે પોતાના પગ ચાલતા કર્યા. દાદીને ઓપરેશન બાદ માત્ર બે દિવસમાં સ્વસ્થ થઈ જતાં તા. ૧ મે ના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. છેલ્લા એક વર્ષથી સમગ્ર સ્મીમેર હોસ્પિટલ કોવિડ હોસ્પિટલમાં રૂપાંતરિત થઈ હોવા છતા પણ અમે નોનકોવિડ દર્દીની સંપૂર્ણ કાળજી રાખીએ છીએ એમ ડો.પાર્થ જણાવે છે. ધનલક્ષ્મીબાના પૌત્ર વિરલભાઈએ ખુશીની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, મારા દાદી છેલ્લા ૧૬ વર્ષથી બ્લડ પ્રેશરની બિમારી હોવાથી તેની નિયમિત દવા ચાલું છે. ગયા સપ્તાહે દાદીએ પ્રેશરની દવા પીધા બાદ એકાએક ચક્કર આવતા પડી જવાથી ડાબા પગના થાપામાં ફ્રેક્ચર આવ્યું.

(11:29 am IST)