Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

૮૨ વર્ષના દાદીએ ઉપરા-ઉપરી બે વખત કોરોનાને માત આપી

દાદી સુરતના વરાછા વિસ્તારમાં રહે છે : વૃદ્ધાને ૨૪મી માર્ચના રોજ તાવ આવવો, શરદી ખાંસીની ફરિયાદ બાદ શરીરમાં અતિઅશક્તિ આવી ગઇ હતી

સુરત,તા. : સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ૮૨ વર્ષના એક દાદી બે માસમાં બે વખત કોરોના થયો પણ પોતાના શરીરની તંદુરસ્તી અને દ્રઢ આત્મવિશ્વાસને બળે કોરોનાને હરાવી ફરી સ્વસ્થ થઇ ગયા છે. નિયમિત આહાર અને ઢળતી ઉંમરે પણ ચાલવા જવાની આદતને પરિણામે તંદુરસ્તી બરકરાર રાખનાર દાદીની વાત અનેક કોરોનાગ્રસ્ત લોકોને મનોબળ પૂરૂ પાડે એવી છે.

મૂળ પાલિતાણા તાલુકાના સગાપરા ગામના વતની અને હાલમાં પોતાના પૌત્રો સાથે અહીંના વરાછા વિસ્તારની શિવધારા સોસાયટીમાં રહેતા ૮૨ વર્ષીય રાધાબેન ગગજીભાઇ ભિકડિયા નામના વૃદ્ધાને તા.૨૪મી માર્ચના રોજ તાવ આવવો, શરદી ખાંસીની ફરિયાદ બાદ શરીરમાં અતિઅશક્તિ આવી ગઇ હતી

સ્થિતિ એવી હતી કે, તેમના પૌત્રો નિલેશ અને રાહુલ તેમના દાદી રાધાબેનને ઝોળીમાં નાંખી ખાનગી તબીબને ત્યાં સારવાર માટે લઇ ગયા. જ્યાં સીટી સ્કેન સહિતનો રિપોર્ટ કરાવવામાં આવતા કોરોના હોવાનું માલૂમ પડ્યું હતું. કોરોનાની ફેંફસામાં ૧૫ ટકા અસર થઇ ચૂકી હતી. પણ, રાધાબહેનને હોસ્પિટલની દવા સાથે ઘરમાં સારવાર લેવાનું મુનાસીબ માન્યું

કારણ કે, આટલી મોટી ઉંમરના દર્દીને ઘરના વાતાવરણમાં સારી રિક્વરી આવશે, તેમ ઇચ્છી નિલેશભાઇએ પોતાના દાદીને ઘરે રાખીને સારવાર શરૂ કરી હતી. ઓક્સીજન સપ્લાય સાથે પૌષ્ટિક આહાર અને દવાના સેવન થકી રાધાબેન ૧૮ દિવસમાં સ્વસ્થ થઇ ગયા હતા. દરમિયાન રાધાબેનના પુત્ર ગણેશભાઇને પણ કોરોના થયો અને સાથે તેમને પોસ્ટ કોરોના ઇફેક્ટ થઇ.

તા.૧૭મી એપ્રિલે રાધાબેનને શરીરમાં કોન્ટીપેંશન અને ન્યુમોનિયાની અસર થઇ તપાસ કરાવતા કોરોનાના માઇલ્ડ લક્ષણ જણાયા. એટલે તેમના પૌત્રોએ ફરી સારવાર કરાવી. ખાનગી તબીબની દવા લઇ ઘરે રાખ્યાનિયમિત દવાના સેવન, શ્વાસોશ્વાસની પ્રક્રીયા પર સતત દેખરેખને પરિણામે રાધાબેન ફરી સાજા થઇ ગયા.

અઢી માસ જેટલા સમયગાળા દરમિયાન, રાધાબેનને એક અલાયદા કમરામાં રાખવામાં આવ્યા. નિયમિત દવાઓ, ઉકાળાના સેવનથી આજે તા.૭મી મેના રોજ રાધાબહેને કોરોનાને મ્હાત આપી હતી. હવે તબીબોએ તેમને બીજા રૂમમાં જવાની છૂટ આપી છે. ૮૨ વર્ષની ઉંમર હોવા છતાં રાધાબેન શરીરે કડેધડે છે. તેમના પરિવાર ૧૬ વ્યક્તિનો પરિવાર છે.

કોરોના થયો પૂર્વે નિયમિત રીતે ચાલવા જવાની આદત ધરાવતા હતા. વોકિંગ એમની જીવનશૈલીનો એક ભાગ છે. જમવામાં પણ બહુ ચુસ્ત છે. ત્રણ ટાઇમ સમયસર આહાર લઇ લે છેસવારમાં દૂધ રોટલી, બપોરે દાળભાત અને શાક રોટલી, સાંજે દૂધ રોટલો, તેમનો આહાર છે.

નિયમિત અને પૌષ્ટિક આહારને કારણે રાધાબેનની તંદુરસ્તી બરકરાર રહી અને તેના થકી બે માસમાં બે વખત કોરોનાને પરાસ્ત કર્યો છે. યુવાની કાળ ગામડામાં ખેતીકામ જેવા અથાગ મહેનત અને પરિશ્રમના પ્રતાપે આજે મોટી ઉમરે પણ રાધાબહેને કોરોનાને મ્હાત આપી છે.

(9:00 pm IST)