Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

વડોદરા જીલ્લામાં 60 લીઝોમાંથી રેતી ખનન થતા બંધ કરવામાં આવી

વડોદરા: જિલ્લામાં નર્મદા, મહી અને ઓરસંગ નદીમાંથી રેતી ઉલેચતી ૧૧૦ લીઝો પૈકી ૬૦ લીઝો ગઇકાલથી બંધ કરી દેવાના આદેશ ખાણખનીજ ખાતાએ આપતા રેતીનું ખનન કરનારાઓમાં વ્યાપક ચર્ચાઓ થવા લાગી છે. પર્યાવરણ અંગેનું ક્લીયરન્સ તેમજ માઇનીંગ પ્લાન્ટ રજૂ નહી કરાતા આ પગલુ લેવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ત્રણ મુખ્ય નદીઓ નર્મદા, મહીસાગર અને ઓરસંગમાંથી  રેતી કાઢવા માટે સરકારના વિવિધ નિયમો મુજબ મંજૂરી આપવામાં આવે છે. રેતી માટેના નવા બ્લોકોને ઇસી એટલેકે ઇન્વાર્યમેન્ટ સર્ટિફિકેટ વગર પરવાનગી આપવામાં આવતી નથી પરંતુ જે જુની લીઝો હોય તેમને પણ આ સર્ટિફિકેટ લેવુ અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટ તેમજ એનજીટી આદેશ મુજબ હવે દરેક પ્રકારના માઇનીંગ માટે આ ઇસી પ્રમાણપત્ર જરૃરી થઇ ગયુ છે.
વડોદરા જિલ્લામાં કરજણ, ડભોઇ, સાવલી, વડોદરા અને શિનોર તાલુકાના અનેક ગામોમાં નદીમાંથી રેતીનું ખનન કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. વડોદરા જિલ્લામાં આવેલી રેતીની કુલ ૧૧૦ લીઝો પૈકી મોટાભાગની લીઝોએ ઇસી તેમજ માઇનીંગ પ્લાન્ટ રજૂ કર્યો ન હતો જેથી વડોદરા ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા લીઝ હોલ્ડરોને તા.૧૩ માર્ચના રોજ નોટિસો આપી ઇસી અને પ્લાન્ટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી હતી પરંતુ ૬૦ જેટલી લીઝોના માલીકો દ્વારા ઇસી અને માઇનીંગ પ્લાન્ટ રજૂ નહી કરાતા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા કડક પગલા લેવામાં આવ્યા  છે અને આ રેતીની લીઝોને ગઇકાલથી બંધ કરાવી દેવાનો આદેશ અપાયો છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે કરજણ તાલુકામાં ૩૭, ડભોઇ તાલુકામાં ૧૭, સાવલી તાલુકામાં ૩ અને ડભોઇ તાલુકામાં ત્રણ લીઝો બંધ કરાવી દેવાઇ છે.

(5:51 pm IST)