Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ગુજરાતમાં 'રક્ષક' જ 'ભક્ષક' બન્યા છે : ધાનાણી

બિટકોઇનકાંડથી સરકારની રહેમ નજરે ખાખી વર્દીધારી લોકોને લૂંટવા માટે ષડયંત્ર રચતા હોવાનું સાબિત : આગ લગાવનારા અને મલાઇ આરોગનારાઓના બદલે ગોડાઉન માલીકો સામે પગલા આશ્ચર્યજનક !!

રાજકોટ તા. ૯ : બિટકોઇન, જમીન કૌભાંડો, મગફળીકાંડ, આગકાંડ સહિતની બાબતો અંગે એક ઘાને બે કટકા કરીને સરકાર પર તેજાબી પ્રહારો વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કર્યા છે. સરકારની નિષ્ફળતા અને સરકારની મીઠી નજર હેઠળ ખાખી વર્દીધારીઓ, મહેસુલી તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ તથા જમીન માફીયાઓ બેફામ બન્યાના ચોંકાવનારા આક્ષેપો કરીને એવો ધડાકો કર્યો છે કે મુખ્યમંત્રી સવા બોરીબંધમાંથી એક પણ હયાત બોરી બંધ બતાવી આપે તો પોતે રાજીનામુ આપી દેશે.

ભાજપ અને સરકારની રાજકીય ઓથે રક્ષક જ ભક્ષક બનીને પ્રજાને લૂંટી રહી હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ કર્યો છે. પ્રજાની સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે તેવા ખાખી વર્દીધારી લોકો પ્રજાને લૂંટવા માટે ષડ્યંત્ર રચી રહ્યા હોવાનું બિટકોઈનકાંડથી પુરવાર થયું છે.

ભાજપ સરકારની રહેમ નજર નીચે જમીન માફિયાઓ સામાન્ય લોકોની કિંમતી જમીન-મિલકત પચાવી પાડવા સક્રિય બન્યા છે, પરંતુ સરકારના ઈશારે તંત્ર ન્યાયપાલિકા સમક્ષ સાચી હકીકત રજૂ કરતા ન હોવાથી પુરાવાના અભાવે ગુનગારો છૂટી જાય છે અને સામાન્ય માણસને ન્યાય મળતો નથી. આ સ્થિતિમાં ન્યાયપાલિકાનો કોઈ દોષ ન હોવા છતાં તેના પરથી લોકોનો વિશ્વાસ ડગી ગયો છે એમ, વિરોધપક્ષના નેતાએ જણાવ્યું છે.ઙ્ગ

વિપક્ષી નેતા ધાનાણીએ ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું કે, સરકારના તમામ વિભાગ ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. બહુચર્ચિત બિટકોઇન મામલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ કૌભાંડના મૂળ ઉંડા છે. જો તટસ્થ તપાસ કરવામાં આવે તો અબજો રૂપિયાનાં કૌભાંડ સાથે સત્તાપક્ષનાં મૂળીયાં પણ હચમચી જશે. આ પ્રકરણ દબાવવાની કોશિશ હજી પણ થઇ રહી છે, પરંતુ તપાસનીસ અધિકારીઓ રાજકીય દબાણમાં આવ્યા વગર તપાસ આગળ ચલાવશે તેવી આશા વ્યકત કરતાં તેમણે કહ્યું કે, ઇમાનદાર અધિકારીઓના કારણે IPS કક્ષાનાં વ્યકિત જેલનાં સળિયા પાછળ જવું પડયું છે.ઙ્ગ

અત્યાર સુધીની તપાસ તો માત્ર ટ્રેલર છે, હજુ ફિલ્મ બાકી છે એમ જણાવી તેમણે ઉમેર્યું કે, સરકાર અને જમીન માફિયાઓની મીલીભગતને કારણે સામાન્ય માણસ લૂંટાઇ રહયો છે. માફિયાઓ પર શાસકોના ચારહાથ હોવાથી વર્ષો સુધી આવી મિલકતો મૂળ માલિકને મળતી નથી, અંતે હારી-થાકીને નજીવી કિંમતે માફિયાઓને વેચી દેવી પડે છે.

વિરોધપક્ષના નેતાએ સરકાર સામે આક્ષેપ કરતાં કહ્યું કે, ચૂંટણીમાં આચરેલો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલા માટે પહેલાં ગાંધીધામ પછી ગોંડલ, રાજકોટ, જામનગર-હાપા અને હવે મુખ્યપ્રધાનના વિસ્તારમાં મગફળી સળગાવાઇ છે. સરકારી તંત્ર સામે પગલા લેવાને બદલે ગોડાઉન માલિક સામે પગલાં લેવાઇ રહયાં છે. બનાસકાંઠામાં ગત વર્ષે અતિવૃષ્ટિ હોવાથી પાક નિષ્ફળ ગયો હતો, પરંતુ આ જિલ્લામાંથી મગફળી ખરીદીના બિલો બનાવવામાં આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે.ઙ્ગ

વિધાનસભામાં વિરોધપક્ષની આક્રમક રજૂઆતને કારણે આગ લાગવાની તપાસનાં મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરનારા રાજકોટના તત્કાલિન કલેકટરને અમદાવાદના કલેકટર બનાવીને પ્રમોશન આપ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. આ કાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા છે. જો તટસ્થ તપાસ થાય તો મોટા માથાઓનું સરનામું જેલ હશે.

(12:54 pm IST)