Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ખેડુતો, સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરો, વધે એટલી સરકાર ખરીદી લેશે

ગુજરાત સરકારની સોલાર સીસ્ટમ આધારીત નવી યોજનાઃ ખેડુતો માત્ર રૂ. ૬૫૦૦ ભરે એટલે પેનલ મુકાઇ જશેઃ રાજયના તમામ ખેડુતો આ પધ્ધતિ અપનાવે તો વાર્ષિક ૨૦ હજાર મેગાવોટ વીજ ઉત્પાદન કરી શકવાનો સરકારનો અંદાજ

રાજકોટ તા.૯: ગુજરાત સરકાર ખેડુતો માટે સુર્ય આધારીત વીજ ઉત્પાદનની નવી યોજના લાવી રહી છે. ગઇકાલે ભાજપના રાજયભરના અગ્રણીઓની બેઠકમાં ઉર્જામંત્રી સોૈરભ પટેલે આ અંગે રૂપરેખા આપી હતી. કેન્દ્ર સરકારમાં આવી યોજના કુસુમ નામે ઓળખાય છે. રાજય સરકારે ખુશી યોજના નામ જાહેર કરવાનું ધાયુંર્ હોવાના નિર્દેશ છે. ખેડુત પોતાના ખેતરમાં સરકારે નક્કી કરેલી એજન્સી પાસે સોલાર પેનલ મુકાવે તો ૩૦ ટકા કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળશે અને ૬૦ ટકા નાબાર્ડ તરફથી લોન મળશે ખેડુત માત્ર રૂ. ૬૫૦૦ ભરીને ૧ હોર્સ પાવર વિદ્યુત માટેની સુવિધા ઉપલબ્ધ કરી શકશે. ૭ વર્ષ સુધી કંપની તરફથી ફ્રી મેઇન્ટેન્સ અપાશે. ખેડુત જેટલી વીજળી જરુરી હોય એટલી વાપરી શકશે અને ઇચ્છે તો વધારાની વીજળી સરકારને રૂ. ૩.૫૦ના યુનિટલેખે સરકારને વેચી શકશે ખેડુતો પોતાની જરૂરીયાતના પ્રમાણમાં સોલાર પેનલ મુકાવી શકશે. જેથી ખેડુતોને વીજ ઉપ્તાદનની સાથે આવક મેળવવાની તક મળશે. સોલાર પેનલનો લાભ લેવાથી અત્યારે ખેડુતોને ખેતી માટે મળતી સસ્તી વીજળીનો લાભ જતો કરવો પડશે.

સરકાર હાલ પોતાની વીજળી પેટે રૂ. ૯ હજાર કરોડ સબસીડી આપે છે. ખેડુતો સુર્ય આધારીત વીજળી મેળવતા થઇ જાય તો સરકારનું ભારણ ઘટશે અને ખેડુતોને અપુરતી વીજળી મળવાની ફરીયાદો દુર થઇ શકશે સરકારની કલ્પના મુજબ યોજના સાકાર થાય અને ખેતીનું વીજ જોડાણ ધરાવતા તમામ ૧૪ લાખ ખેડુતો સોલાર પેનલ સીસ્ટમ સ્વીકારેતો તેના આધારે વાર્ષિક ૨૦ હજાર મેગાવોટ સુધી વધારાનું વીજ ઉત્પાદન કરી શકાય તેમ છે. સરકાર યોજનાની શરતો અને લાભાર્થીની જરૂરી પાત્રતા સહિતની બાબતો ટુંક સમયમાં જાહેર કરશે.(૧.૧૧)

 

(11:58 am IST)