Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ભાદરણ પરણેલી અમેરિકન સિટિઝનશીપ ધરાવતી યુવતીનો લગ્નના ચોથા દિવસથી 5 કરોડનો કરિયાવર પચાવી પડાયો

પરિણીતાના કાકાએ નોંધાવી ન્યુઝીલેન્ડ સ્થિત પતિ,તેમજ સાસુ અને જેઠ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ભાદરણ ગામે પરણેલી અને અમેરિકન સીટીઝનશીપ ધરાવતી વસોની યુવતીનું લગ્નના ચોથા દિવસથી પતિ, સાસુ અને જેઠ દ્વારા પાંચ કરોડનું કરિયાવર પચાવી પાડતાં આ અંગે ભાદરણ પોલીસે પરિણીતાના કાકાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

   આ અંગે મળતી વિગત મુજબ અમેરિકન સીટીઝનશીપ ધરાવતી મુગ્યાના લગ્ન ગત તારીખ ૨૬-૭-૧૨ના રોજ ભાદરણ પરંતુ હાલમાં ન્યુઝીલેન્ડ ખાતે રહેતા હાર્દિકભાઈ કિરિટભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન વખતે મુગ્યાના માતા-પિતા સગાસબંંધીઓ તથા શુભેચ્છકો દ્વારા આપવામાં આવેલું પાંચ કરોડ ઉપરાંતનું કરિયાવર આપવામાં આવ્યું હતુ. આ કરિયાવર લઈને મુગ્યા સાસરીમાં આવી હતી પરંતુ લગ્નના ચાર દિવસ બાદથી જ તેણીનું તમામ કરિયાવર પતિ, સાસુ રેખાબેન અને જેઠ કૃણાલભાઈ દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતુ. અને મુગ્યાને પહેરવા માટે માત્ર એક સોનાની વીંટી આપવામાં આવી હતી.

મુગ્યા તારીખ ૧૨-૮-૧૨ના રોજ અમેરિકા જતી રહી હતી અને તારીખ ૨૪-૧૨-૧૨ના રોજ પરત ફરી હતી.પરત આવ્યા બાદ પણ તેણીએ પોતાના દાગીના વગેરેની માંગણી કરી હતી જે આપ્યા નહોતા. દરમ્યાન મુગ્યાના સંબંધીઓ દ્વારા તેની સાસરીની મુલાકાત લેતા લગ્ન વખતે આપવામાં આવેલી વસ્તુઓ જોવા મળી નહોતી. જો કે ત્યારબાદ મગ્યા ફરી પાછી અમેરિકા જતી રહી હતી અને વસો ખાતે રહેતા પોતાના કાકા પંકજભાઈને પોલીસ ફરિયાદ કરવા માટે પાવર ઓફ એટર્ની લખી આપતાં તેના આધારે પંકજભાઈએ ભાદરણ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(10:34 am IST)