Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે થયેલ તકરારે મોટું સ્વરૂપ ધારણા કર્યું:અઢી લાખની માંગણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરાઃશહેરના નાગરવાડા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ એક પાડોશીએ હું પાસામાં હતો ત્યારે શા માટે રિનોવેશન કરાવ્યું તેમ કહી પાસાના ખર્ચ પેટે રૃા.અઢી લાખની માંગણી કરતા પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાગરવાડા નવીધરતી વિસ્તારમાં રહેતા ફરીદાબેન સાહેલિયાએ પોલીસને કહ્યું છે કે,મારા ઘરના આગળના ભાગે કેમેરા લગાવવામાં આવ્યા હોવાથી ગઇ કાલે સાંજે સામે રહેતો બાબર હબીબખાન પઠાણ પાછળના દરવાજે આવી બૂમ પાડતાં હું પાછળ ગઇ હતી.બાબરે તારા ઘરના બધા ક્યાં છે તેમ પૂછતાં મેં બધા સૂતા છે તેમ કહ્યું હતું.

થોડીવાર બાદ બાબર આગળના દરવાજા પાસે આવ્યો હતો અને બૂમો પાડતો હતો.તેણે હું પાસામાં હતો ત્યારે તમે રિનોવેશન કેમ કરાવ્યું, નવી ગાડી કેમ લીધી..હવે મને પોલીસ સ્ટેશનમાં ઘણો ખર્ચો થઇ ગયો છે,તાત્કાલિક અઢી લાખ આપો નહિંતર તારી સાથે અને તારા છોકરાઓ સાથે સારૃં નહીં થાય.

મહિલાએ કહ્યું છે કે,મારા પુત્રએ તેને ગાળો નહીં દેવા કહેતા તેણે પીવીસીની પાઇપ વડે હુમલો કર્યો હતો.જ્યારે બાબરના ભાઇ મહેબૂબ હબીબખાન પઠાણ અને ચેતન નામના એક શખ્સે પથ્થરો માર્યા હતા.જેમાં મને પગમાં ઇજા થઇ હતી.મારા પરિવારજનો આવી જતાં તેઓ ભાગી છૂટયા હતા.કારેલીબાગ પોલીસે બાબર સહિત ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

(5:09 pm IST)