Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સુરતમાં ૧ દિવસમાં ૭પ મૃતદેહોની અંતિમવિધીઃ તંત્રમાં ૧૪ નોંધાયેલ

ઉમરા સ્મશાનનો વિડીયો વાયરલઃ ૧પ થી વધુ મૃતદેહો વેઇટીંગમાં હોવાનું દર્શાવાયું : મોતના આંકડા છુપાવાતા હોવાની લોકોમાં ભારે ચર્ચાઃ તંત્ર બીજી બીમારીથી મોત થયાનું કહે છે

સુરત તા. ૯: શહેરમાં કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા અને મૃત્યુઆંક સર્વોચ્ચ સ્તરે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોવીડ હોસ્પીટલમાં ૭પ થી ૯૦ દર્દીઓના મોત થઇ રહ્યા છે. પણ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દરરોજ ફકત ૮ થી ૧૦ મોત દર્શાવામાં આવે છે ગઇકાલે મોતની સંખ્યા ૧૪ જાહેર કરાયેલ.

ગઇકાલે વાયરલ થયેલ વિડીયોમાં ઉમરા સ્મશાનમાં ૧પ થી વધુ મૃતદેહો વેઇટીંગમાં બતાવાયા હતા. જેમાં પરિજનો અંતિમ સંસ્કાર માટે રાહ જોતા નજરે પડયા હતા. અહીં કુલ ૪૦ થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવેલ જેમાંથી ૧પ થી વધુના કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયેલ.

વિડીયોમાં વ્યકિત લોકોને પરિસ્થિતિ સમજવા અને વિચાર કરવા જણાવી રહ્યો છે. એક મિનીટ ૬ સેકન્ડના વિડીયામાં એક સાથે ૧પ મૃતદેહો બતાવાયા છે, જે વેઇટીંગમાં છે. યુવક ટોક નંબર ૪૦ દેવાની પણ વાત વિડીયોમાં કરી રહ્યો છે.

બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગની ટીમ સુરત પહોંચી છે. તેમણે કલેકટર, કમિશ્નર સાથે મીટીંગ બાદ જણાવેલ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર છે. યુકે અને દક્ષીણ આફ્રિકી સ્ટેનની પુષ્ટી બાદ દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. માર્ચની શરૂમાં ૧૦-ર૦ ગંભીર દર્દીઓ દાખલ થતા જે એપ્રિલમાં વધીને ર૦૦ થી રપ૦ પહોંચી ગયા છે. જેના કારણે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે.

સુરતના સ્મશાનોમાં ૩૦ થી ૪૦ મૃતદેહો લાવવામાં આવી રહ્યા છે. જેથી અફરા તફરી મચી ગઇ છે. ૩ થી ૪ કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પરિજનોને એ પણ ખબર નથી કે તેમના સંબંધીનો મૃતદેહ એમ્બ્યુલન્સ ચાલક કયાં લઇ ગયો છે. જેથી સુરત નજીક બારડોલીમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોને લઇ જવાઇ છે.

તંત્ર દ્વારા મોતના આંકડા છુપાવાઇ રહ્યાની લોકોમાં ચર્ચા છે. સુરતની કોવીડ હોસ્પીટલ ન્યુ સીવીલમાં પ૭ અને સ્મીમેરમાં ૧૮ પોઝીટીવ શંકાસ્પદ લોકોના કોરોનાથી મોત જણાવાયા છે. ગઇકાલે ૭પ જેટલા લોકોના અંતિમ સંસ્કાર કોવીડ મુજબ કરાયેલ. પણ મનપા આરોગ્ય તંત્ર આંકડા ઓછા દર્શાવે છે. મોટા ભાગના કોરોના મૃત્યુને કોમોરબીડ તથા અન્ય બીમારીથી મોત થયાનું જાહેર કરાયું છે.

(3:02 pm IST)