Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાના ભયથી લોકોએ જાતે જ આર્યુવેદનો અતિરેક કરીને પોતાના પગ પર કુહાડા માર્યા

જાતે લીધેલી દવાઓની અનેક આડ અસરથી પીડાઇને ડોકટર પાસે દોડ્યા

અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. ત્યારે કારોનાથી બચવા લોકો જાતે જ આયુર્વેદિક દવાઓનો અતિરેક કરી લોકો પોતાના પગ પર કુહાડા મારી રહ્યા છે. નિષ્ણાત ડોકટરોની સલાહ લીધા વગર દવાનો ઓવર ડોઝ લઇને કોરોનાથી બચવા જતાં લોકોએ અન્ય બીમારીઓને નોતરી લેતાં બકરૃં કાઢતાં ઊંટ પેઠું કહેવત સાર્થક કરી રહ્યા છે.

નિષ્ણાત ડોકટરની સલાહ વગર કોરોના કે અન્ય કોઈ પણ રોગની દવા જાતે કરવાની હિતાવહ છે જ નહીં પરતું કોરોનાના કેસ વધતાં વોટ્સઅપ યુનિવર્સિટીમાં વાઈરલ થતા મેસેજને સાચા માનીને રેમિડી અપનાવીને કે ઉકાળા પોવાનો અતિરેક કરવા મચી પડતા લોકો આરોગ્યના મુદે હેરાન પરેશાન થઈને પસ્તાઈ રહ્યા છે.

વધુ પડતા ઉકાળા પીવાને કારણે કે વધુ પડતું ગરમ પાણી પીવા કે કોગળા કરવાના કારણે લોકોનાં ગળાની હાલત ખરાબ થઇ ગઈ છે, કોરોનાથી બચવા જતાં તેમનાં ગળામાં છાલાં પડવાં, લાલાશ કે સોજો આવી જવાના કેસ વધી રહ્યા છે. એક ઇએનટી સર્જને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે કોરોનાથી બચવા એક પેશન્ટે વધુ માત્રામાં કાઢા અને ઉકાળા પીતાં તેનુ ગળું છોલાઈ ગયું છે અને અત્યંત દર્દ થવાના કારણે તેની સારવાર તો કરી પણ તેમને મનોચિકિત્સક પાસે જવા પણ સૂચવ્યું હતું.

જાતે બની બેઠેલા આથુર્વેદાચાર્યોએ સોશિયલ મીડિયા પરે આતંક મચાવ્યુ છે. એમની સલાહને અપનાવનાર હજારો લોકો પસ્તાઇ રહ્યા છે. ગરમી અને હીટવેવની વચ્ચે ડોકટરની સલાહ વગર આડેધડ સતત ઉકળાનાં સેવનના કારણે કેટલાય લોકોનાં ગળામાં, પેટમાં ચાંદાં પડ્યાં છે, કેટલાકને બીમારી થઈ છે, ઇમ્યુનિટી બુસ્ટરના નામે મલ્ટીવિટામીન, સંશમની, ગળો, વિટામિન સી, એન્ટિબાયોટિક, દુખાવો, મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને પોતાની જાતનો પોતે જ ડોકટર બનીને ઉપચાર કરનારાઓ અન્ય રોગના ભોગ બન્યા છે, ત્યારે તેમને સેલ્ફ મેડિટેશનના ખતરાની ઘંટી વાગી છે.

આ અંગે આયુર્વેદિક ડોકટર ધીરજભાઈ પારેખે જણાવ્યું હતું કે આયુર્વેદિક શાસ્ત્રના દવાઓ અંગેના ચોકકસ નિયમો હોય છે. નાડી પરીક્ષણ કે દદીને તપાસ્યા વગર અમે કોઈ પણ દવા પ્રિસ્ક્રાઇબ કરતા નથી. આયુર્વેદ દવાઓ બીમારીમાં સચોટ અને અસરકારક પરિણામ આપે છે પરંતુ કોઈ પણ દર્દીએ જાતે પોતાનાં શરીરની તાસીર જાણ્યા વગર કોઈ દવા લેવી જોઈએ નહીં તો તો તેનાં પરિણામ અવળાં પણ આવી શકે છે. નિષ્ણાત ડોકટરની સલાહ વગર કોઈ પણ દવા લેવી હિતાવહ નથી. મને કોરોના થઇ જશે તો? લોકો સતત એકત્ર ડરમાં જોવા મળી રહ્યા છે. તેઓ ફોબિયાનો ભોગ બની રહ્યા છે, એટલે કેટલાક સોશિયલ મીડિયામાં આવતા મેસેજનો સહારો લઈને પોતાની જાત માટે જાતે જ વિનાશ નોતરે છે. કેટલાક સતત ઓકિસમીટર આંગળી પર પતરી રાખે છે, વાઈરસ ન રહીં જાય તે માટે કેટલાક દિવસમાં ત્રણથી ચાર વાર સ્નાન કરે છે અને તરત પંખા નીચે બેસી રેહતાં શરદી નોતરે છે, આવા તમામ લોકોને ચિકિત્સાની સાથે સાથે મનોચિકિત્સાની સલાહ પણ ડોકટર આપી રહ્યા છે.

(10:19 am IST)