Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ગુજરાતના ૧૦૦૦ ખાનગી ડોકટરો સેવા આપવા તૈયારઃ વિજયભાઇને ઓફર

ખાનગી તબીબો દવાખાના ખુલ્લા રાખે, દર્દીમાં શંકા લાગે તો સરકારને જાણ કરે : કોરોના સામેની લડત માટે જિલ્લાવાર સંકલન સમિતિઃ અશ્વિનીકુમાર

ગાંધીનગર તા. ૯: રાજયમાં વધતા જતા કેસોથી સરકાર ખુબજ ચિંતિત છે આ અંગે માહિતી આપતા રાજયના મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે સચિવાલય ખાતે પત્રકારો સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં ખાદ્ય ચીજ વસ્તુ, શાકભાજી, ફળફળાદી, દુધનો પુરવઠો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કલેકટરોની અધ્યક્ષતામાં જિલ્લાવાર સંકલન સમિતિ બનાવાશે.

મુખ્યમંત્રીના સચિવે જણાવેલ કે, આજે શ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ખાનગી ફીઝીશ્યનો સાથે ચર્ચા કરેલ ૧ હજાર જેટલા ડોકટરોએ કોરોના સંદર્ભે સરકાર ઇચ્છે તે રીતે સેવા આપવાની તત્પરતા દર્શાવી છે.

રાજય સરકારે કરેલા નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, રાજય સરકારે મહત્વના નિર્ણયઇો કર્યા છે તેમાં રાજયના જિલ્લા કલેકટરોની અધ્યક્ષતામાં એક સંકલન સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો છે.

આ અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, આ સંકલન સમિતિમાં આરોગ્ય વિભાગને લગતી માર્ગદર્શિકાની સુચના મુજબ સેવા આપી રહેલા આઇએમએના અનુભવી ડોકટરો તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ સાથે રહી આ કામગીરીમાં મદદરૂપ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજય સરકારે પ્રાઇવેટ પ્રેકટીસ કરતા ડોકટરોને તેમને ત્યાં આવતા દર્દીઓની ચકાસણી કરી જયાં ક્ષત્રિ લાગે તેવા લોકોને આવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં જાણ કરવી મોકલી આપવા જણાવવામાં આવ્યું છે અને પ્રાઇવેટ પ્રેકટીસ કરતા ડોકટરોને દવાખાના ચાલુ રાખી પુરતો સાથ અને સહકાર આપવા વિનંતી કરી છે. કોઇ દર્દીમાં રોગની દૃષ્ટિએ શંકા જણાય તો સરકારી હોસ્પિટલમાં મોકલવા જણાવાયું છે.

આ ઉપરાંત તેમણે સરકારના નિર્ણયો તરફ ધ્યાન દોરતી વિગતો આપતા જણાવ્યું હતું કે રાજયમાં શાકભાજી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની વિતરણ વ્યવસ્થા માટે કુલ ર,૮૮,૯૮૩ પાસ ઇસ્યુ કરવામાં આવ્યાં છે.

રાજયમાં આજ સુધી ૭૩ લાખ ફુડ પેકેટો આપવામાં આવ્યા છે. આમ નાના વર્ગના કોઇપણ વ્યકિત અન્ન ખાધા વગર ન રહે તે માટે રાજય સરકારનું આરોગ્ય અને નાગરિક પુરવઠા તંત્ર સતત જાગૃત છે.

તેમણે રાજય સરકારના આરોગ્ય અને નાગરિક પુરવઠા વિભાગનાં હેલ્પ લાઇન નંબરો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ નંબરો ઉપર સતત કોલ આવે છે અને તેનો ખૂબજ ઝડપી નિકાલ કરવામાં આવે છે.

શાકભાજી, ફળફળાદી, અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે શાકભાજીનાં ૯ર,૬૭૦ કવીન્ટલનો પુરવઠો ઉપલબ્ધ છે.

રાજય સરકારની હાઇ પાવર કમિટી દરરોજ મળે છે અને કોરોના વાયરસ તેમજ ખાદ્ય ચીજ પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવે છે. ઉપરાંત સમય સમયની વિગતો મેળવાતી રહે છે.

રાજય સરકારની આરોગ્ય અને નાગરિક પુરવઠાની હેલ્પલાઇન ઉપર આવેલ તમામ ફરિયાદોની નિરાકરણ વ્યવસ્થા પુરતા પ્રમાણમાં કરવામાં આવી છે.

(4:19 pm IST)