Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

કોરોના વિસ્ફોટઃ વડોદરાનો તાંદલજા વિસ્તાર રેડ ઝોન જાહેર

ઓએસડી ડો. વિનોદ રાવ, મ્યુનિ. કમિશ્નર નલીન ઉપાધ્યાય વિગેરે સાથે ચર્ચા બાદ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મધરાતથી જ અમલ શરૂ કરાવ્યો

રાજકોટ, તા. ૯ :. સંસ્કારીનગરી તરીકે જાણીતા વડોદરામાં એક સપ્તાહના વિરામ બાદ કોરોના વાયરસનો જાણી વિસ્ફોટ થયો હોય તેમ અચાનક નાગરવાડામાં કોરોનાના ૬ કેસ સહિત ૯ કેસ નોંધાવાના પગલે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોતાને પોલીસ કમિશ્નર તરીકેના મળેલ વિશેષ અધિકારના ભાગરૂપે નાગરવાડા બાદ લઘુમતિ વિસ્તાર તાંદલજાના ચોક્કસ ભાગને રેડ ઝોન જાહેર કરી દીધો છે. એપેડેમીક લો અને અન્ય વિશેષ સત્તાઓ આધારે રેડ ઝોન જાહેર થયા બાદ આ વિસ્તારમાં આવન-જાવન પર પ્રતિબંધ મુકાઈ ગયો છે તેવુ વડોદરાના પોલીસ કમિશ્નરર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યુ હતું.

રેડ ઝોનનો નિર્ણય કરતા પહેલા આ માટેની એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વડોદરા માટે નિમાયેલા આઈએએસ અને એજ્યુકેશન સેક્રેટરી ડો. વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશ્નર નલીન ઉપાધ્યાય વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રેડ ઝોન જાહેર થયાની વાતને ડો. વિનોદ રાવે પણ સમર્થન આપ્યુ હતું.

રેડ ઝોનને કારણે તાંદલજા વિસ્તારના ૧૯૦૦ ઘર અને અંદાજે ૭૦૦૦થી વધુ લોકો આવનજાવન કરી શકશે નહિ. તાંદલજામા પોઝીટીવ કેસવાળા દર્દીઓ હોસ્પીટલમાં આવતા અનેકના સંપર્કમાં આવ્યા છે. આવા લોકોની પણ વ્યાપક શોધખોળ કરી તેઓને તાત્કાલીક કોરન્ટાઈન કરવા સાથે વિશેષ સારવાર માટે પણ મોકલી અપાશે. રેડ ઝોનનો તાકીદથી અમલ કરી મધરાતથી જ સમગ્ર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. અત્રે યાદ રહે કે સુરતમાં એક આખો મોટો વિસ્તાર સાવચેતી ખાતર આ અગાઉ સીલ કરવામાં આવ્યો છે.

(1:16 pm IST)