Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉન : રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં ઓછામાં ઓછા ૧૦ લાખ લોકોની નોકરીઓને માઠી અસર

પ્રાઇવેટ કંપનીઓએ પણ કરકસરના પ્લાન બનાવ્યા છે જે પ્રમાણે ૪૦ ટકા સ્ટાફ ઘટાડવાની દરખાસ્તો તૈયાર

અમદાવાદ : ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર પહેલાં આરોગ્ય ઉપર અને પછી રોજગારી ઉપર વરસી રહ્યો છે. ૨૧ દિવસના લોકડાઉનમાં નાની-મધ્યમ કંપનીઓ અને ધંધા-રોજગારમાં સંચાલકો કે માલિકો એક મહિનાનો પગાર સહન કરી શકશે પરંતુ લોકડાઉન જો બીજો મહિનો લંબાશે તો ગુજરાતના વ્યાપાર, ધંધા અને રોજગાર ઉપર અત્યતં ખરાબ હાલત સર્જાય તેવી દહેશત ખુદ સરકારના અધિકારીઓ કરી રહ્યાં છે.

  રાજ્યના રોજગાર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે સરકારી નોકરી કરતાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને ખાસ કોઇ નુકશાન નથી. લોકડાઉન ત્રણ મહિના સુધી લંબાવવામાં આવે તો પણ તેમને પગાર મળવાનો છે પરંતુ જે લોકો પાસે પ્રાઇવેટ નોકરીઓ છે, જે ધંધા-રોજગાર કર્મચારીઓ અને કારીગરોના બળ પર ચાલી રહ્યાં છે તે સંચાલકો તેમના કર્મચારી કે કારીગરોને ત્રણ મહિનાનો પગાર આપી શકવા સક્ષમ નથી. બીજી તરફ સરકાર એવી પ્રાઇવેટ કંપનીઓને એવું આર્થિક પેકેજ આપવા તૈયાર નથી, કારણ કે જો તેમ કરવા જાય તો સરકારની તિજોરી તળિયા ઝાટક થઇ શકે છે. લોકડાઉનમાં ખરાબ સ્થિતિ પ્રાઇવેટ નોકરીઓની થવાની છે.

  જો લોકડાઉન જૂન મહિના સુધી લંબાય તો ગુજરાતના ચાર મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઓછામાં ઓછી ૧૦ લાખ નોકરીઓને અસર થાય તેમ છે. આ આંકડામાં લોકો રોજગારી ગુમાવી શકે છે. બીજા ૧૦ લાખ કર્મચારીઓને પગાર કાપનો સામનો કરવો પડી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે તો કરકસરના પગલાં શ કરી દીધાં છે તેમ પ્રાઇવેટ કંપનીઓએ પણ કરકસરના પ્લાન બનાવ્યા છે જે પ્રમાણે ૪૦ ટકા સ્ટાફ ઘટાડવાની દરખાસ્તો તૈયાર કરી છે. જે લોકોના પગાર ૫૦ હજારથી વધારે હશે તેમને ૩૦ ટકા પગાર કાપનો સામનો કરવો પડે તેમ છે. કોરોનાની મહામારીના સમયમાં બહોળા મધ્યમવર્ગને સૌથી વધુ નુકશાન થવાનું છે, કેમ કે આ વર્ગ વિવિધ સેકટરોમાં નોકરીમાં જોડાયેલો છે.

  સચિવાલયમાં હયાત કર્મચારીઓ સાથે ચર્ચા કરી તો તમામનો સૂર એવો હતો કે કોરોનાના સંક્રમણના કેસો વધતાં જતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધીમે ધીમે લોકડાઉનને લંબાવશે. આ લોકડાઉનમાં એપ્રિલ અને મે મહિનો આખો જતો રહે તેમ છે. ઉનાળું વેકેશન ઘરમાં બેસીને ગાળવું પડે તેવી સ્થિતિ છે. જૂનમાં જ્યારે શૈક્ષણિક સત્ર શરૂ થાય એ સાથે લોકડાઉન દૂર થાય તેમ છે. એક કર્મચારીએ તો કહ્યું હતું કે ચીનના વુહાનમાં લોકડાઉનનો સમયગાળો ૭૬ દિવસનો હતો. હવે વુહાન લોકડાઉનથી મુકત થયું છે. ભારત અને વિવિધ રાજ્યોમાં પણ લોકડાઉનનો ગાળો જો આટલો રાખવામાં આવે તો ધંધા-રોજગાર ઠપ્પ થઇ શકે છે.

(12:37 pm IST)