Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

ખેડૂતો પાસે પુષ્કળ પાક તૈયારઃ વેચાણની વ્યવસ્થા વિના વલોપાત

ઘઉં, ચણા, જીરૂના ઢગલા તૈયાર પણ બજારમાં પહોંચાડી શકાતા નથીઃ જગતના તાત આર્થિક મુશ્કેલીમાં: જંગી રવિ પાક થયો છે, લોકડાઉન પુરૂ થયા પછી પણ પોષણક્ષમ ભાવ મળવા વિશે મોટો પ્રશ્નઃ ઉનાળુ વાવેતર માટે ખાતર-બિયારણની પણ તકલીફ

રાજકોટ, તા. ૯ :. કોરોનાના કારણે દેશવ્યાપી થયેલ લોકડાઉનની સીધી અસર અન્ય ક્ષેત્રોની જેમ ખેતી પર પણ મોટા પ્રમાણમાં પડી છે. હાલ ખેડૂતોના ખેતરમાં અથવા ઘરમાં રવિ પાકના ઢગલા થઈ ગયા છે, પરંતુ માર્કેટયાર્ડો બંધ હોવાથી બજારમાં લાવી શકતા નથી. ગયા વર્ષના સારા ચોમાસાના કારણે શિયાળુ પાક માટે પાણીની સારી સુવિધા હતી તેથી છેલ્લા દસકાનો વિક્રમ સર્જક પાક થયો છે પરંતુ વેચાણની વ્યવસ્થાના અભાવે ખેડૂતો વલોપાત કરી રહ્યા છે. સારી મોસમના ફાયદાની ખેડૂતોની આશા સામે મોટો પ્રશ્નાર્થ લાગી ગયો છે.

સૌરાષ્ટ્રમાં ઘઉં, ચણા અને જીરૂ મુખ્ય શિયાળુ પાક ગણાય છે. ઉપરાંત ધાણા, તલ, લસણ, ડુંગળી વગેરેનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ખરીફ પાક તરીકે મગફળી અને કપાસ જાણીતા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં ઉનાળુ પાક બજારમાં આવી જાય છે. દર વર્ષે એપ્રિલમાં શિયાળુ પાકથી માર્કેટયાર્ડો ઉભરાતા હોય છે. આ વખતે પુષ્કળ પાક થયો હોવાથી બજારોમાં વિક્રમી આવક થવાની ધારણા હતી. ૨૨ માર્ચથી ગુજરાતમાં લોકડાઉન થઈ જતા ખેડૂતોનો માલ ઘરમાં જ પડયો રહ્યો છે. જેને ઘરમાં રાખવાની સગવડતા નથી તેવા ખેડૂતોએ માલને ખેતરોમાં જ રાખ્યો છે. ખેતરોમાં માલ કુદરતી દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત ગણાતો નથી.

લોકડાઉનના કારણે બજારો બંધ છે. સરકારની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા અટકી પડી છે. મજુરો ન મળવાની મોટી સમસ્યા છે. લોકડાઉન પૂર્ણ થાય પછી બજારોમાં ઘઉં, ચણા, જીરૂ વગેરેની જંગી આવક થવાના એંધાણ છે. તે વખતે વેચાણ વ્યવસ્થા કરવામાં શાસકોની કસોટી થઈ જશે. પુષ્કળ માલ બજારમાં આવવાથી પોષણક્ષમ ભાવ મળશે કે કેમ ? તે પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય ગણાય છે. ઉનાળુ પાક વાવવા માંગતા અથવા ચોમાસાની તૈયારી કરવા માગતા ખેડૂતોને અત્યારે દવા અને બિયારણ પણ મળતા નથી. ખેડૂતોના હાથમાં માલ છે પણ વેચી શકાતો ન હોવાથી આર્થિક ભીડ મુંઝવી રહી છે. લોકડાઉન કયારે હટે ? અને પરિસ્થિતિ કયારે પૂર્વવત થાય ? તે નક્કી નથી. લાખો ખેડૂતોના હિતમાં સરકાર નક્કર આયોજન કરે પ્રબળ લાગણી પ્રવર્તે છે.

(11:04 am IST)