Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

રાજકોટ બાદ સુરતની સહજાનંદ એન્જિનિયરિંગ કંપની દ્વારા સ્વદેશી-સસ્તું વેન્ટિલેટર બનાવાયું

માત્ર સાત કિલોનું વેન્ટિલેટર વીજળી ન હોય તો પણ બેટરી ઉપર ચાલી શકે છે

સુરત : કોરોનાના કહેર વચ્ચે ગુજરાત માટે વધુ એક સારા સમાચાર છે. રાજકોટની જ્યોતિ સીએનસી બાદ હવે સુરતની સહજાનંદ કંપનીએ પણ એક વેન્ટિલેટર બનાવ્યું છે. કોરોના સામેની લડાઈ લડવા માટે વેન્ટિલેટર ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેવામાં ગુજરાતની બે કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલ વેન્ટિલેટરથી ગુજરાતને કોરોના સામેની લડાઈમાં મજબૂતાઈ મળશે.

રાજકોટ બાદ સુરતની સહજાનંદ એન્જિનિયરિંગ કંપની દ્વારા સ્વદેશી વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. સહજાનંદ કંપની દ્વારા સૌથી નાનું અને માત્ર 7 કિલોનું વેન્ટિલેટર બનાવવામાં આવ્યું છે. અને તે 230 વોટ વીજળીમાં કાર્યરત રહે છે. વેન્ટિલેટરમાં એક બેટરી ઈન બિલ્ટ છે. એનો મતલબ એ કે વીજળી ન હોય તો પણ આ વેન્ટિલેટર બેટરી ઉપર ચાલી શકે છે.

અગાઉ રાજકોટની કંપનીએ ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવ્યું હતું. ફક્ત 10 દિવસમાં દેશી બનાવટના વેન્ટિલેટરનું નિર્માણ કર્યું હતું. તેની પડતર ફક્ત રૂ. 1 લાખ જેટલી છે. જ્યારે બજારમાં અન્ય સામાન્ય વેન્ટિલેટરની કિંમત રૂ. 6.50 લાખ જેટલી હોય છે. કોરોના સામેની લડાઈમાં વિશ્વભરમાં વેન્ટિલેટરની અછત છે. તેવામાં ગુજરાતની બે કંપનીઓ દ્વારા બનાવેલ વેન્ટિલેટર ગુજરાતમાં કોરોના સામે લડવા કારગર નિવડશે.

(8:44 am IST)