Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

હનુમાન જયંતિની સાદગીથી ગુજરાતમાં થયેલી ઉજવણી

૧૭૨ વર્ષોમાં પ્રથમવાર સાળંગપુર મંદિર બંધ : ડભોડિયામાં દાદાને ૧૧૧૧ તેલના ડબ્બાના અભિષેકને બદલે શ્રદ્ધાળુઓ તરફથી સંકલ્પ લઇને કરાયેલ અભિષેક

અમદાવાદ,તા. ૮ : આજે ચૈત્રી સુદ પૂનમે હનુમાન જયંતિને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના હનુમાનજી મંદિરોમાં ભારે ભકિતભાવ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરાઇ હતી. જો કે, આ વર્ષે રાજયભરમાં કોરોનાના કહેરને લઇ તમામ હનુમાનજી મંદિરોમાં આજે ભારે સાદગીપૂર્ણ રીતે અને પ્રતિકાત્મક સ્વરૂપે હનુમાનજીદાદાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાટોદના સુપ્રસિધ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર આજે સૌપ્રથમવાર ૧૭૨ વર્ષના ઇતિહાસમાં મંદિર શ્રધ્ધાળુ ભકતો માટે કોરોનાના કહેરને લઇ બંધ રાખવામાં આવ્યું હતું. અલબત્ત, ચમત્કારિક સાળંગપુર કષ્ટભંજન દેવની પૂજા-આરતી સંતો દ્વારા એટલા જ ભકિતભાવ અને પરંપરાગત રીતે કરવામાં આવી હતી.  તો, ગાંધીનગરના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે પણ હનુમાનજયંતિના દિવસે દાદાને આમ તો, ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય અભિષેક કરી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ કોરોનાના કહેરને લઇ ડભોડિયા હનુમાનજી મંદિર પણ ભકતો માટે બંધ રખાયુ હતુ અને પૂજારી દ્વારા શ્રધ્ધાળુ ભકતો તરફથી સંકલ્પ રજૂ કરી દાદાને માત્ર પાંચ તેલના ડબાનો અભિષેક કરી પ્રતિકાત્મક હવન કરાયો હતો.

             દાદાના ભકતોએ આજે લોકડાઉન વચ્ચે દાદાના ઓનલાઇન દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. કોરોનાના કપરા કાળ વચ્ચે હનુમાનજયંતિને લઇ સાળંગપુર કષ્ટભંજન દેવસ્થાન, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી, શાહીબાગના કેમ્પ હનુમાનજી, એસજી હાઇવે પરના મારૂતિ ધામ, ખાડિયાના બાલા હનુમાન, રખિયાલના સુપ્રસિધ્ધ નાગરવેલ હનુમાનજી મંદિર, મેમનગરના ભીડભંજન હનુમાનજી, થલતેજના પંચમુખી હનુમાનજી મંદિર, મેમનગર ગામના પંચમુખી હનુમાનજી મંદિર, સોલા રોડ ખાતેના કાંકરિયા હનુમાનજી, વેજલપુરના જીજ્ઞાસા સોસાયટી પાસેના ભીડભંજન હનુમાનજી મંદિર, લોદરા ખાતેના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિર, રાજકોટના બડા હનુમાનજી મંદિર સહિતના દાદાના મંદિરોમાં હનુમાનજી દાદાના જન્મોત્સવની ભારે સાદગીપૂર્ણ અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજી મંદિરોમાં આજે હનુમાનજી દાદાને પ્રતિકાત્મક સ્વરૂપે સુંદર કેક, લાડુ, છપ્પનભોગ સહિતનો પ્રસાદ ધરાવાયો હતો. તો સાથે સાથે દાદાના હોમ, હવન, યજ્ઞ, સુંદરકાંડના પાઠ અને મહાઆરતી પરંપરાગત રીતે યોજાયા હતા તો, આજે હનુમાનજયંતિને લઇ રાજયભરના હનુમાનજી મંદિરોમાં દાદાનો વિશેષ સાજ-શણગાર કરાયો હતો.

              દાદાના ભકતોએ ઘેરબેઠા જ શ્રીરામભકત હનુમાનજીની પૂજા, ભકિત અને આરતી કરી મન મનાવ્યું હતું અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. અને મંદિરોમાં અનેક આકર્ષણો કરાયા હતા, જેને લઇ ભકતોની ભકિત અને ઉત્સાહમાં વધુ ઉમેરો થયો હતો. સાળંગપુર કષ્ટભંજન દેવને આજે લાખો રૂપિયાની કિંમતનો બહુમૂલ્ય સોનાનો મુગટ, સોનાની ગદા અને હાર સહિતના આભૂષણો ચઢાવાયા હતા.  તો, હનુમાનજયંતિને લઇ આજે દાદાનો ભવ્ય સાજ-શણગાર કરવામાં આવ્યો હતો. તો, દાદાના જન્મદિને આજે દાદાની પરંપરાગત પૂજા, આરતી અન અભિષેક કરાયા હતા. જો કે, હનુમાનજયંતિએ યોજાતો સમૂહયજ્ઞ કોરોનાના સંકટ વચ્ચે રદ કરાયો હતો. આ જ પ્રકારે ગાંધીનગરના સુપ્રસિધ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે  હનુમાનજયંતિએ દાદાને ૧૧૧૧ તેલના ડબાનો ભવ્ય અભિષેક અને ૧૫૧ કિલોની કેકના પ્રસાદ અને ૧૦૮ દિવાઓની મહાઆરતી સહિતના કાર્યક્રમોનું કરાતુ ભવ્ય આયોજન આ વખતે કોરોનાના કહેરને ધ્યાનમાં રાખી રદ કરવામાં આવ્યું હતું અને પૂજારી દ્વારા દાદાના ભકતો તરફથી સંકલ્પ રજૂ કરી માત્ર પાંચ તેલના ડબાનો અભિષેક અને પ્રતિકાત્મક હવન, પૂજા-આરતી કરવામાં આવ્યા હતા. તો વળી, રાજકોટના બડે હનુમાનજી મંદિરમાં તો દાદાની મૂર્તિને  જય શ્રી રામ લખેલ માસ્ક પહેરાવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાનો અનોખો સંદેશ ફેલાવાયો હતો. તો અમદાવાદના શાહીબાગ કેમ્પ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજયંતિને લઇ દાદાના જન્મોત્સવની સાદગીપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. આજે દાદાના લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતોએ ઘેરબેઠા જ દાદાના જન્મોત્સવની ઉજવણી કરી તેમની પૂજા, ભકિત, આરતી કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.

(9:49 pm IST)