Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની તીવ્ર અછત

બાળકોના નવજીવન માટે રકતદાનની અપીલ : વિવિધ સંસ્થાઓની મદદથી ૨૦થી વધારે રકતદાન કેમ્પો

અમદાવાદ,તા.૮ : હાલ સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના કહેર વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત અને ડાયાલિસીસના દર્દીઓ  માટે ભારે મુશ્કેલી ઉભી થઇ છે. ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે  જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા દર પંદર અને ૨૧ દિવસે લોહી બદલાવવુ જરૂરી હોય છે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની ભારે અછત વર્તાઇ રહી છે. આ સંજોગોમાં સિવિલ હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટેશન ટાવર સામે આવેલા થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર અને તેમની લોહી બદલવાની પ્રક્રિયામાં ખાસ કાળજી લેવાઇ રહી છે અને તેમનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની અછત ના વર્તાય અને તેઓને પૂરતા પ્રમાણમાં સમયસર લોહી ઉપલબ્ધ થાય તે હેતુથી શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી યોગેશભાઇ લાખાણી, મંત્રી જીતેન્દ્રભાઇ કારીઆ, બ્લડ કો-ઓર્ડિનેટર ભરતભાઇ ઉનડકટ અને શશીકુંજ દિવ્યાંગ કલબના ડાયરેકટર ભૈરવીબહેન લાખાણીએ અમદાવાદ શહેરની જનતાને તેમની સોસાયટીઓ, શેરી કે મહોલ્લામાં સોશ્યલ ડિસન્ટન્સીંગ સહિતના રાજય સરકાર અને તંત્રના નિર્દેશો, સૂચના અને જોગવાઇઓનું પાલન કરી રકતદાન શિબિરો યોજી થેલેસેમિયાગ્રસ્ત બાળકોની સારવાર માટે લોહી ઉપલબ્ધ  બનાવવાના સેવાકાર્યમાં જોડાવવા ખાસ અનુરોધ કર્યો છે.

               તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કહેર અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે લોહીની ઉપલબ્ધિ ભારે મુશ્કેલ બની છે અને તેના કારણે લોહીની ભારે અછત વર્તાઇ રહી છે ત્યારે થેલેસેમિયા ડે કેર સેન્ટર, શશીકુંજ દિવ્યાંગ કલબ, શશીકુંજ એકેડમી સહિતની સંસ્થાઓની મદદથી શહેરની વિવિધ સોસાયટીઓ, ફલેટો કે એપાર્ટમેન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતના તમામ નોર્મ્સ અને જોગવાઇઓનું પાલન કરી ૨૦ થી વધુ રકતદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે કુલ ૫૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરાયુ છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોના નવજીવન માટે લોહીનું એકત્રિકરણ બહુ મહત્વનું અને અનિવાર્ય છે ત્યારે કોરોનાના કહેર અને લોકડાઉનની પરિસ્થતિ વચ્ચે પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ સહિતના તંત્રના નિર્દેશો અને જોગવાઇઓનું પાલન કરી પોતાના ઘરઆંગણે કે, સોસાયટી, એપાર્ટમેન્ટ, ફલેટમાં આ પ્રકારે રકતદાન શિબિર યોજી લોહી એકત્ર કરાય તો થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મુશ્કેલી આસાન થઇ શકે તેમ છે. તેમણે ઉમેર્યું કે, મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વના વૈજ્ઞાનિકો, સંશોધકોએ અનેક ક્રાંતિકારી શોધ કરી છે પરંતુ કુદરતે બનાવેલા લોહીનો વિકલ્પ આજસુધી કોઇ શોધી શકયુ નથી. જો કોઇ રકતદાતા રકતદાન કરે તો તેના ૨૪ થી ૪૮ કલાકમાં જ તેમના શરીરમાં નવું લોહી બની જાય છે

              પરંતુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને દર પંદર અને ૨૧ દિવસે લોહી ચઢાવવાની ફરજ પડતી હોય છે. આવા બાળકો રકતની ખામીના કારણે જીવન મૃત્યુ વચ્ચે સતત ઝઝુમતા હોય છે ત્યારે તેઓને નિયમિત રકતદાનથી નવજીવન આપી શકાય છે. ગુજરાતમાં હાલ દસ હજારથી વધુ બાળકો થેલેસેમિયા મેજરથી પીડાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટેશન ટાવર સામે આવેલા થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ટ્રાન્ફયુઝન, સ્વૈચ્છિક રકતદાન શિબિરનું આયોજન, સવારે આવા બાળકોને ચા-કોફી, દૂધ, નાસ્તો તથા બપોરનું ભોજન, નાના બાળકો માટે ઘોડિયાઘર, બાળકોના તમામ જરૂરી નિઃશુલ્ક મેડિકલ ટેસ્ટ, વખતોવખત નિષ્ણાત ડોકટર્સ દ્વારા મેડિકલ ચેકઅપ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટેશન માટેના પરીક્ષણનું કાઉન્સેલીંગ-માર્ગદર્શન, થેલેસેમિયાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાંથી પૂર પડાતી દવાઓ સિવાયની દવાઓ, બાળકો તથા વાલીઓ માટે લાયબ્રેરી, બાળકો માટે રમતગમત-આનંદપ્રમોદના સાધનો સહિતની અનેકવિધ સુંદર વ્યવસ્થા અને આયોજન હાલ ઉપલબ્ધ બનાવાયા છે.

(9:46 pm IST)
  • ઉત્તર પ્રદેશના 66 તાલુકાઓ સૅનેટાઇઝ કરવા ફાયર ફાઇટરને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લીલી ઝંડી : આગળ જતા તમામ તાલુકાઓને સૅનેટાઇઝ કરાશે access_time 7:58 pm IST

  • લોકડાઉન હટાવવો એએક મોટો પડકાર છેઃ ઝારખંડના મુખ્યમંત્રી હિંમત સોરેની સ્પષ્ટ વાત access_time 4:41 pm IST

  • રાજકોટમાં ૩૭.૬ ડિગ્રી : રાજકોટ શહેરમાં હાલ મહતમ નોર્મલ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી ગણાય. બપોરે ૧૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. એકાદ બે દિવસમાં ગરમીમાં વધારો થશે access_time 4:17 pm IST